Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દેશમાં પ્રથમ દિવ્યગ્રામ ભેખડીયા - જામલી : જળક્રાંતિ ટ્રસ્ટની મહેનત સફળ

શ્રમદાનથી ચેકડેમ-તળાવોનું નિર્માણ : ગાંડા બાવળોનું નિર્મૂલન : જાતવાન કાંકરેજ ગાયોનો ઉછેર : સંપૂર્ણ વ્યસન મુકિત

રાજકોટ : દેશ માટે મોડેલ કહી શકાય તેવું દિવ્યગ્રામ નિર્માણ કરવામાં જળક્રાંતિ ટ્રસ્ટને સફળતા સાંપડી છે. આદિવાસી વિસ્તારના ગામ ભેખડીયા તા. કવાંટ જિ. છોટાઉદેપુર ખાતેથી સર્વાગી વિકાસના ધ્યાયેથી જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ, જન સમાજની સુરક્ષા અને કલ્યાણની નૂતન દિવ્યગ્રામ યોજના સાકાર કરવામાં આવી છે. એજરીતે મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાના ગામ જામલીમાં પણ દિવ્યગ્રામ યોજના સાકાર કરાઇ છે. દિવ્યગ્રામ યોજના હેઠળ ભેખડીયા ગામમાં ૧૦૦ વર્ષ ટકાઉ ૨૧ ચેકડેમ-તળાવ અનેજામલીમાં ૭ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યુ. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા અને ફેલોટેક પંપના માલિક મનસુખભાઇ સુવાગીયા અને ભગત રાઠવાજીના માર્ગદર્શન હેઠળ ૨૪૦ દિવસના શ્રમદાન હેઠળ આ અભિયાન પાર પડાયુ હતુ. ચેકડેમો તૈયાર કરવા ઉપરાંત ઘેર ઘેર ૧૦૦૦ જાતવાન કાંકરેજ ગાયો બંધાવી દેશી ગાયના દુધ- ઘી - છાસ ઉપલબ્ધ કરાવ્યા. ભેખડીયામાં ગાંડા બાવળનું નિર્મુલન કરી ગાંડા બાવળ મુકત ગામ બનાવ્યુ. આ પ્રદેશના ૧૦ હજાર આદીવાસી ગામો અને દેશના છ લાખ ગામોને પ્રેરક જળ, જમીન, જંગલ, ગાય, જીવસૃષ્ટિ, જનસમાજની સુરક્ષા, વિકાસ અને કલ્યાણની યોજના જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને લોકશ્રમદાનથી સાકર થઇ છે. આમાં આદિવાસી ગામ ભેખડીયા દેશનું પ્રથમ દિવ્યગ્રામ બન્યુ છે. આ યોજના જોવા ભારતિય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા, આર.એસ.એસ. ધર્મજાગરણના પ્રમુખ સત્યમરાવ, ગ્રામ વિકાસ અધ્યક્ષ દાતાત્રેય ગુપ્તા, અમેરીકાથી બાબુભાઇ સાવલીયા, મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખ નિતિનભાઇ સોનાવાલા, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા, મુંબઇ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના મળી ૧૫૦ મહાનુભાવો અને ચાર રાજયોના સંતો પધાર્યા હતા.

(11:48 am IST)