Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સરકારે આશ્વાસન આપ્યુ તો પણ પ્રશ્નો ન ઉકેલ્યા, ઓનલાઇન હાજરી માટે તલાટીઓ 'અસહકાર'ના માર્ગે

રાજકોટ, તા.૪: સરકારે ૧ વર્ષ પહેલા તલાટીઓની હડતાલ વખતે ૧ મહિનામાં પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે કરેલ કબુલાત મુજબ અમલ ન કર્યાનો આક્રોશ તલાટી સંગઠનોએ વ્યકત કરી મહામંડળે મામલતદારમાં વોટસઅપ ગ્રૃપમાંથી દૂર થઇ જવાનું એલાન કર્યુ છે.

રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગ ગેરેયા અને સચિવ એમ.ટી વાઘેલા જણાવે છે કે તલાટી કેડરની ફાઇલો ૧ વર્ષથી વધારે સમયથી દબાવી રાખેલ છે. જેમાં મુખ્ય ૨૦૦૪ અને ૨૦૦૫ની ભરતીનો સમયગાળો સળંગ ગણી પ્રથમ ઉચ્ચતરનો લાભ આપવો. રેવન્યુ તલાટીને પંચાયતમાં મર્જ કરવા અથવા તેમનો જોબચાર્ટ તલાટી મંત્રી મંડળને સાથે રાખી નકકી કરવો. વિસ્તરણ અધિકારી આંકડા, સહકાર વગેરેમાં પણ તલાટી મંત્રીઓને પ્રમોશન આપવું. ૨૦૦૪માં ભરતી થયેલા તલાટી મંત્રીને હાલ ૧૬-૧૬ વર્ષની નોકરી થયેલ હોય, તેમ છતાં ૧૨ વર્ષનું પ્રથમ ઉચ્ચતર આપેલ નથી. જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનું છે. પ્રાથમિક શિક્ષકો જે ૬૦,૦૦૦ જેટલા શિક્ષકોને નોકરી સળંગ ગણી દીધેલ હોય, અને માત્ર ૬૦૦ કે ૭૦૦ જેટલા તલાટી મંત્રીને નોકરી સળંગ ન ગણી આપવી જે સરકારની તલાટી કેડર વિરૂધ્ધની માનસીકતા છતી કરે છે.

તલાટી મંત્રી કેડરને પ્રથમ ઉચ્ચતર ૧૨ વર્ષે મળે તેમાં કોઇ જાતની પરીક્ષા પાસ કરવી જરૂરી ન હોવા છતાં અમુક જિલ્લામાં અધિકારીઓ પ્રથમ ઉચ્ચતર ખાતાકીય પાસ કરેલ નથી એવું કારણ દર્શાવી ૧૪-૧૪ વર્ષ મળતું પ્રથમ ઉચ્ચતર નામંજૂર કરેલ છે. અધુરામાં પૂ રું બીજી કોઇ ગ્રામ્ય કક્ષાની કેડરને ઓનલાઇન હાજરી કે થમ્પ્સ ઇમ્પ્રેશન જેવા ગતકડા ન હોઇ માત્ર તલાટી મંત્રીને આવા નિયમો ઠોકી બેસાડી અવિશ્વાસનું  વાતાવરણ પેદા થયેલ છે.

ગુજરાત રાજય તલાટી મહામંડળના આદેશ મુજબ વોટસએપમાં તમામ એપ્લીકેશન, ઓનલાઇન હાજરી થમ્પ્સ ઇમ્પ્રેશનની હાજરી તેમજ તાલુકા પંચાયત કે મામલતદારના તમામ વોટસએપ ગ્રૃપમાંથી રીમુવ થઇ જવા અને એક પણ માહિતી વોટસએપથી નહિ આપવા એક પણ પત્રક કે માહિતી વોટસએપથી સ્વીકારવા કે આપવી નહી જે આદેશને ચૂસ્તપણે તમામ ૧૧,૮૦૦ તલાટી કમ મંત્રી વળગી રહેશે.

(11:47 am IST)