Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોડાસા પંથકમાં પાક નિષ્ફળ જતા દીકરાને પરણાવવાનું સ્વપ્ન રોળાયુ : મહિલા ખેડૂતનો ગળેફાંસો ખાઈ આપઘાત

સારા પાકથી જે નાણાં મળશે તેનાથી તેમના દીકરાનું લગ્ન કરાવશે તેવી આશા પર વરસાદે પાણી ફેરવી દીધું

મોડાસા: કમોસમી વરસાદને પગલે અનેક ખેડૂતોનો ઉભો પાક ધોવાયા છે ત્યારે મોડાસાના મોદરસુંબા ગામમાં પાક નિષ્ફળ જતા એક મહિલા ખેડૂતે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દેતા ચકચાર મચી છે.

  અરવલ્લી જીલ્લામાં સપ્તાહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોની મગફળી અને કપાસનો પાક મોટાપાયે નિષ્ફ્ળ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મોડાસા તાલુકાના મોદરસુંબા ગામની મહિલા ખેડૂતે ૩ વીઘા ખેતરમાં વાવેલ મગફળી અને અડદનો પાક નિષ્ફ્ળ જતા પુત્રને પરણાવવાનું સ્વપ્ન રોળાતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મહિલાના પુત્ર અને પુત્રી સહીત પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું

. મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે દીકરા સાથે રહેતા મંજુલાબહેન કમોસમી વરસાદથી ઘણાં જ આઘાતમાં સરી પડ્યા હતા, અને જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મંજુલાબહેને તેમના ચાર વિઘા ખેતરમાં મગફળી, કપાસ અને અળદની ખેતી કરી હતી. તેમને આશા હતી કે, તેમના સારા પાકથી જે નાણાં મળશે તેનાથી તેમના દીકરાનું લગ્ન કરાવશે, પણ કમોસમી વરસાદે તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. પરિવારજનોનું એમ પણ કહ્વું છે કે, મૃતક મહિલા પાકમાં મોટા પાયે નુકસાનને પગલે છેલ્લા બે દિવસથી આઘાતમાં સરી રહ્યા હતા, જેથી તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

(11:28 pm IST)