Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉકાઈ ડેમમાંથી એકધારું પાણી છોડાતા કતારગામ -રાંદેરને જોડતો કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ

બારડોલી હરિુપરા કોઝવે 17મી વાર પાણીમાં ગરકાવ :10 જેટલા ગામોને અસર

સુરત: દક્ષિણ ગુજરાતની જીવ દોરી એવા ઉકાઈ ડેમમાંથી સતત 80 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કારણ કે, ડેમ 345 ફૂટ સુધી ભરાયેલો છે અને ઉપર વાસમાં આવતા પાણીના જથ્થાને ડેમ દ્વારા છોડવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તાર એવા હેઠવાસમાં આવેલા બારડોલી હરિુપરા કોઝવે 17મી વાર પાણીમાં ગરકાવ થયો છે. જેથી 10 જેટલા ગામોને તેની અસર પહોંચી છે. જ્યારે સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા 125 દિવસથી બંધ છે.
 ચોમાસું પૂર્ણ થયા બાદ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતું હોય છે પણ દિવાળીના તહેવાર બાદ પણ ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. કારણ કે, ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા સતત પાણી ઉકાઈ ડેમમાં ઠલવાઇ રહ્યું છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી હોવાથી ઉકાઈ ડેમ હાલ તેની પૂર્ણ ક્ષમતા સાથે 345 ફુટ ભયજનક સપાટી સુધી ભરેલો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે એ બધું જ પાણી ડેમમાંથી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે

 . હાલ ઉકાઈ ડેમમાં 80 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જેથી આવકની સામે જાવક સરખી કરી દેવામાં આવી રહી છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાવાના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમ અને તેના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડતો હોવાથૂ હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણીની આવક ઉકાઈ ડેમમાં થઇ રહી છે. રવિવારે સવારે ઉકાઇ ડેમની સપાટી 345 ફુટ નોંધાઈ હતી. જ્યારે ઈનફ્લો અને આઉટફ્લો એક સરખો એટલે કે 80 હજાર ક્યુસેક કરવામાં આવ્યો છે.

(10:56 pm IST)