Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુભાષબ્રિજને બંધ કરાતા ટ્રાફિકની જોરદાર સમસ્યા

મોટી સંખ્યામાં વાહનો વાડજ, દુધેશ્વર અટવાયા : તાત્કાલિક અને જલ્દીથી પહોંચવા ઇચ્છુક લોકોને મુશ્કેલી

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ શહેરના હંમેશા વ્યસ્ત રહેતા સુભાષબ્રિજને હાલમાં ટેકનિકલ કારણોસર અને સમાર કામગીરીના લીધે બંધ રાખવામાં આવતા ટ્રાફિકને લઇને ભારે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ટ્રાફિકની સમસ્યાના કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિકલ્પ ઓછા હોવાના લીધે સુભાષબ્રિજ બંધ કરાતા મર્યાદિત રસ્તા રહેતા ચારેબાજુ ટ્રાફિકજામની સ્થિતિ આજે રવિવારના દિવસે પણ સર્જાઈ હતી અને ચાલુ દિવસોમાં હવે સમસ્યા વધુ જટિલ બની શકે છે. બહારથી આવતી નાની મોટી ગાડીઓ, બસ અને અન્ય વાહનોને સુભાષબ્રિજ બંધ હોવાના કારણે વાડજ રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેના કારણે ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ ભારે અંધાધૂંધી સર્જાઈ રહી છે. બીજી બાજુ સાબરમતી વિસ્તારમાંથી આવતી બસોને મોટાભાગે ગાંધી આશ્રમમાંથી નિકળવાની જરૂર પડી રહી છે પરંતુ કાળુપુરથી આવતી બસો અને વાહનો તથા સિવિલ તરફથી આવતી બસોને હવે દુધેશ્વર પુલ પરથી જવાની ફરજ પડી રહી છે.

               સિવિલ તરફથી આવતી ૩૦૦-૨૦૦ સહિતની બસો જેમાં વધારે સંખ્યામાં યાત્રીઓ મુસાફરી કરે છે તે બસ હવે સુભાષબ્રિજ તરફ જઇ રહી નથી. આના બદલે આ બસ દુધેશ્વર રુટથી ડાયવર્ટ થઇને વાડજ તરફ આવી રહી છે. આજે રવિવારના દિવસે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કેટલાક રુટનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ  દ્વારા સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થા આવતીકાલથી અમલી બની જશે. બીજી બાજુ વાડજથી સિવિલ અને શાહીબાગ તરફ જતા વાહનોને લઇને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે, વાહનોને ઇન્કમ ટેક્સ બ્રિજ અને વાડજ બ્રિજ સિવાય બીજા વિકલ્પ મળી રહ્યા નથી જેથી વાડજ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને લોકોને નિકળવામાં કલાકોનો સમય લાગ્યો હતો.

(9:35 pm IST)