Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના અનેક પંથકોમાં કમોસમી વરસાદ

કમોસમી વરસાદને લઇ ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન -કેપ : મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજયમાં કમોસમી વરસાદનો માહોલ હજુ પણ યથાવત : લીલો દુકાળ સર્જી રહ્યો છે : ખેડૂતના પાકને ભારે નુકસાન

અમદાવાદ, તા.૩ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં મહા વાવાઝોડાને લઇને તેની અસર હજુ પણ ઓછી થઇ નથી. આના ભાગરુપે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ ગયો છે. અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસરના ભાગરૂપે રાજયભરમાં જાણે માવઠા અને કમોસમી વરસાદની ગંભીર સ્થિતિ સર્જાઇ છે. આજે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પંથકોમાં એકથી સાડા ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હેલી જારી રહેતાં હવે જાણે અનેક પંથકોમાં લીલા દુકાળની પરિસ્થિતિ જાણે સર્જાઇ રહી છે, જેને લઇ હવે ખેડૂતોની સાથે સાથે ખુદ સરકાર અને તંત્ર પણ ચિંતિત બન્યા છે.

                   આજે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અનેક પંથકોમાં કમોસમી વરસાદનો માર ચાલુ રહ્યો હતો.  સૌરાષ્ટ્રમાં જસદણ, શિવારાજપુર, આટકોટ સહિતના અનેક પંથકોમાં વરસાદ ત્રાટકયો હતો. તો, પંચમહાલ ગોધરા, લાખણી, પાટણ, સમી, હારીજ, સહિતના અનેક વિસ્તારો અને પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, ખેડૂતોના પાકને મોટાપાયે ધોવાણ થતાં પાકને બહુ વ્યાપક અને ગંભીર નુકસાન થયુ  હતુ. ક્યાર વાવાઝોડુ તો ચાલ્યું ગયું પરંતુ મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ વર્તાઇ રહી અને તેની અસરના ભાગરૂપે આ ક્ષેત્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની હેલી આજે પણ ચાલુ રહેવા પામી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા ૧૪ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં ગઇકાલે બે જ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી બે ઇંચ વરસાદ વરસતાં સ્થાનિક લોકોને ચોમાસું પાછું ફર્યું હોય તેવો અહેસાસ થયો હતો. બીજીબાજુ, કમોસમી વરસાદને લઇ ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા હતા અને કપાસ, મગફળી, બાજરીનો તૈયાર પાક નિષ્ફળ ગયો હોઇ બહુ મોટી નુકસાનીનો ભોગ બન્યા છે.

                 મહા વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં ઊના તાલુકાનાં રાજપરા બંદરે લાંગેરલી બોટ મોજાની થપાટે ડુબી ગઇ હતી. ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં પોણો ઇંચ અને ઘોઘામાં અડધો ઇંચ કસોસમી વરસાદ વરસી ગયો હતો. તો, પાટણ જિલ્લાના હારીજ-સમી પંથકમાં કમોસમી વરસાદથી પાકોનું મોટાપાયે ધોવાણ થયું છે. અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે.

               સમી તાલુકામાં ૧૨૦ ટકા વરસાદ ચાલુ સાલે ખાબક્યો અને સતત દિવાળી સુધી છુટ્ટોછવાયો વરસતો રહ્યો છે. પાછોતરો વરસાદ વધુ ખાબકતાં ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા છે. આ વિસ્તારની કાળેતર જમીન હોવાના કારણે ઝડપી પાણી સુકાતા નથી. જેના કારણે ખરીફ પાક બિલકુલ ખેડૂતો લઇ શક્યા નથી. રવિ સીઝન આવી ગઇ છે છતાં સમી તાલુકાના અનેક ખેડૂતો વાવેતર નથી કરી શક્યા. આ જ પ્રકારે પંચમહાલ, ગોધરા, લાખણી, બનાસકાંઠા, લાખણી સહિતના અનેક પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ નોંધાતા આ વિસ્તારોમાં કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા. તો, અમદાવાદ શહેર અને જિલ્લાના પંથકોમાં પણ આજે કમોસમી વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા.

(9:29 pm IST)