Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો : છઠ્ઠીએ ત્રાટકી શકે છે

દિવ અને દ્વારકા વચ્ચે છઠ્ઠીએ ત્રાટકવાની સંભાવના : મહા હાલ વેરાવળથી ૫૫૦ કિમી દૂર : ૧૦૦થી ૧૨૦ની ગતિથી પવન ફુંકાશે : અતિભારે વરસાદ માટેની ચેતવણી

અમદાવાદ,તા. ૩ : ગુજરાતના માથેથી મહા વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળી ગયુ હોવાની આવેલી વાત બાદ હવે ફરી પાછી હવામાન વિભાગે મહા વાવાઝોડનું સંકટ ગુજરાતના માથે વધવાની શકયતાની આગાહી કરતાં તંત્ર અને દરિયા કાંઠાના વિસ્તારના લોકો ચિંતિત બન્યા છે. છે પરંતુ તેની અસરના ભાગરૂપે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહા વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાત વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. હાલ મહા વાવાઝોડુ આગળ વધી રહ્યું છે અને વેરાવળથી ૫૫૦ કિમી દૂર છે. મહા વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું આગામી તા.૬ નવેમ્બરના મોડી રાત્રે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જેના પવનની ગતિ ૧૦૦થી ૧૨૦ની સ્પીડે હશે, જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

             બીજીબાજુ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવાયા છે. તમામ બંદરો પર બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયા છે અને માછીમારોને દરિયો ખેડવા નહી જવા સૂચના જારી કરાઇ છે. મહા વાવાઝોડાની સૌથી વધુ અસર તા.૬ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે. જ્યારે તા.૭ તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, હવામાન વિભાગની અગાહી વચ્ચે અમદાવાદ શહેર સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોમાં મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે, જેના કારણે હાલ રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારમાં વરસાદ સતત ધીમીધારે વરસી રહ્યો છે. બીજીબાજુ, ગુજરાતના દરિયા કિનારે મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની ગયુ છે. તા.૬ અને ૭ નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

                 ખાસ કરીને સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે એનડીઆરએફની ટીમોને એલર્ટ કરી દેવાઇ છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે સાબદાં કરી દેવાયા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત દેશમાંથી ભેજ શોષીને મહા મજબૂત બની રહ્યું છે અને આ કારણોસર જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો હતો અને વરસાદી અસર જોવા મળી હતી.

(9:32 pm IST)