Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમદાવાદ : વરિષ્ઠ લોકો પર અપરાધમાં નોંધપાત્ર વધારો

વરિષ્ઠો ઉપર અપરાધમાં ૩૦૦૦ ટકા વધારો : એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને હુમલા કરાયા : અમદાવાદમાં ૨૦૧૭માં ૫૩૪ મામલા નોંધાયા

અમદાવાદ, તા. ૩ : ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદ શહેરમાં વરિષ્ઠ લોકોની સાથે અપરાધ અથવા ગુનામાં છેલ્લા બે વર્ષના ગાળામાં રેકોર્ડ ૩૦૪૧ ટકાનો વધારો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ૪૬૩ ટકા સુધીનો વધારો નોંધાઈ ગયો છે. અમદાવાદમાં બે વર્ષમાં જ વરિષ્ઠ નાગરિકો ઉપર અપરાધ ૩૦૦૦ ટકા સુધી વધી ગયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં અમદાવાદ શહેરમાં વરિષ્ઠ નાગરિકોની સામે જ માત્ર ૧૭ મામલા નોંધાયા હતા. બીજી બાજુ ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં અપરાધના ૧૯૫ મામલા નોંધાયા હતા. વરિષ્ઠ લોકો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવો વધારે બન્યા છે.

           અમદાવાદ શહેરમાં આવા ૬૪ અને સુરતમાં ૩૩ મામલા દાખલ થયા છે. વરિષ્ઠ નાગરિકો સાથે મારપીટના મામલામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. અમદાવાદ શહેરમાં એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને આરોપી ટાર્ગેટ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસે વરિષ્ઠ નાગરિકોને વધારે સારી પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે તેમના નામની નોંધણી પણ કરી છે. આ વર્ષે દિવાળીના પ્રસંગ પર જ્યારે આસપાસના લોકો ફરવા જાય છે ત્યારે પોલીસ સમય સમયે વરિષ્ઠ નાગરિકોના આવાસ પર જઇને માહિતી પણ મેળવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૫માં ૧૯૫, ૨૦૧૬માં ૪૯૬ અને ૨૦૧૭માં વરિષ્ઠ નાગરિકો સામે અપરાધના ૧૦૯૯ બનાવ નોંધાયા હતા. અમદાવાદની વાત કરવામાં આવે તો ૨૦૧૫માં ૧૭, ૨૦૧૬માં ૩૬૨ અને ૨૦૧૭માં ૫૩૪ જેટલા બનાવો વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને અંજામ અપાયા હતા.

            આંકડા પર નજર કરવામાં આવે તો ગુજરાત પોલીસે કાર્યવાહી કરીને વર્ષ ૨૦૧૭માં દાખલ કરવામાં આવેલા મામલા હેઠળ કુલ ૧૪૩૨ આરોપીઓની વરિષ્ઠ નાગરિકો સાથે અપરાધ કરવાના મામલામાં ધરપકડ કરી હતી જેમાં ૧૩૩૧ પુરુષો અને ૧૦૧ મહિલાઓ સામેલ છે. અમદાવાદ શહેરમાં ૬૩૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સુરતમાં ૧૫૬ની ધરપકડ કરાઈ છે. વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓની સાથે ચેઇન સ્નેચિંગ અને તેમના સામાનની ચોરીના વર્ષ ૨૦૧૭માં ૨૭૦ બનાવો બન્યા હતા. લૂંટના ૪૪ બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચિંગ અને ચોરીની ૧૭૯ અને લૂંટની ૧૭ ઘટનાઓ ૨૦૧૭માં નોંધાઈ હતી. એનસીઆરબીના રિપોર્ટમાં વિવિધ ચોંકાવનારી બાબતો સપાટી પર આવ્યા બાદ પોલીસ પણ સક્રિય થઇ છે.

વરિષ્ઠ નાગરિકો ટાર્ગેટ

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ શહેરમાં એકલા રહેતા વરિષ્ઠ લોકોને અપરાધીઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે. એનસીઆરબીના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો થયો છે. અમદાવાદ શહેરના આંકડા નીચે મુજબ રહ્યા છે.

વર્ષ.......................................... વરિષ્ઠો પર હુમલા

૨૦૧૫............................................................ ૧૭

૨૦૧૬.......................................................... ૩૬૨

૨૦૧૭.......................................................... ૫૩૪

(9:41 pm IST)