Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જલારામ બાપાના મંદિરોમાં શ્રદ્ધાળુની જામેલી ભારે ભીડ

જલારામ બાપાની ૨૨૦મી જ્યંતિની ઉજવણી : જલારામ ધામ વીરપુરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઇન : મંદિરોમાં અન્નકુટ, શોભાયાત્રા, સદાવ્રત કાર્યક્રમ

અમદાવાદ, તા.૩  : જનજનનું કલ્યાણ કરનારા મહાન સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિની આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ભકિતભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જલારામ ધામ વીરપુરમાં તો, બાપાના દર્શન માટે હજારો શ્રધ્ધાળુ ભકતોએ લાંબી લાઇનો લગાવી હતી અને બાપાના આશીર્વાદ મેળવવા ભારે પડાપડી કરી હતી. તો, સૌરાષ્ટ્ર સહિત રાજયભરના જલારામ બાપાના મંદિરોમાં આજે અન્નકુટ, શોભાયાત્રા, સદાવ્રત સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને તે વચ્ચે જય જલિયાણ, જય જલારામ બાપાના ભકિતનાદ ગુંજી ઉઠયા હતા. અમદાવાદ શહેરના પાલડી  અને જમાલપુર વિસ્તારમાં આવેલા વર્ષો જૂના જલારામ મંદિરોમાં પણ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શિરોમણી પૂ.જલારામબાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં સવંત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો.

            જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જેવા મંત્રથી સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં જેની ખ્યાતી છે તેવા સંત શિરોમણી જલારામ બાપાની આજે ૨૨૦મી જન્મજયંતી ઉજવાઇ હતી. ત્યારે જલારામ ધામ વીરપુરમાં તો, બાપાના દર્શન કરવા અને બાપાના આશીર્વાદ લેવા માટે મોડી રાતથી ભક્તો લાઈનમાં ઉભા હતા. વીરપુરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો, વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા વીરપુરના રસ્તાઓ તેમજ મેઇનબજારોમાં ધજા, પતાકા તેમજ લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આજરોજ વહેલી સવારે પૂ.બાપાના સમાધિ સ્થળે પૂ.બાપાના પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જય જલિયાણના નાદ સાથે વીરપુરમાં જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

               વીરપુરમાં ઠેક ઠેકાણે જલારામબાપાના જીવન ચરિત્રના ફ્લોટ ઉભા કરવામાં આવ્યા હતા અને બાપાનું જીવન ચરિત્રને દર્શાવવામાં આવ્યું હતું. વીરપુરમાં જાણે દિવાળી હોય તેમ ઘરે ઘરે રંગોળીઓ કરવામાં આવી હતી. બાપાના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તોનો પ્રવાહ અવિરત ઉમટયો હતો. જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ સ્થિત જલારામ મંદિર ખાતે અન્નકોટ દર્શન અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામ મંદિરે સવારે ૭ કલાકથી વિવિધ કાર્યક્રમો અને સમૂહ ભોજનનું આયોજન કરાયું હતુ.

                તો, અનેક ગામડાઓમાં પણ લોહાણા સમાજ દ્વારા શોભાયાત્રા, અન્નકુટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની ૨૨૦ મી જલારામ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના તમામ જલારામ મંદિરોમાં આજે ભકતોની ભારે ભીડ બાપાના દર્શન માટે ઉમટી હતી. તો, અમદાવાદ શહેરમાં પણ પાલડી સ્થિત જલારામ મંદિર અને જમાલપુર વિસ્તારના જલારામ મંદિર સહિતના બાપાના મંદિરોમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતો ઉમટયા હતા. જેને લઇ આજે શહેર સહિત રાજયભરના જલારામ મંદિરોમાં જય જલિયાણના ભકિતનાદ વચ્ચે બાપાની ભકિતનો માહોલ છવાયો હતો.

(9:38 pm IST)