Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે ગાંધીનગર જિલ્લાનો પ્રિ - વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ગાંધીનગર’

કાર્યક્રમમાં પ્રદર્શન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર, બિઝનેસ બેઠકો ( B2B& B2C), ડિઝાઇન વર્કશોપ્સ, માર્કેટિંગ અને બ્રાંડિંગ વર્કશોપ્સ યોજાશે

ગાંધીનગર:ગુજરાત સરકાર આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી- ૨૦૨૪ દરમ્યાન ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરી રહી છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૨૪ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગ રૂપે રાજ્યના દરેક જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

   ગાંધીનગર જિલ્લાનો પ્રિ - વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ગાંધીનગર’, ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૫ ઓક્ટોબરે સવારે ૦૯:૩૦ કલાકે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની પાછળ, રાયસણ, ગાંધીનગર ખાતે યોજાશે.
  ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ગાંધીનગર’ કાર્યક્રમમાં પ્રદર્શન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર, બિઝનેસ બેઠકો ( B2B& B2C), ડિઝાઇન વર્કશોપ્સ, માર્કેટિંગ અને બ્રાંડિંગ વર્કશોપ્સ યોજાનાર છે. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, અમદાવાદ પૂર્વના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય જયંતીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

   
(6:40 pm IST)