Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના ભાગરૂપે તા. ૨૬મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વિશેષ કોન્ફરન્સનું આયોજન: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦’ વિષય પર યોજાશે ખાસ કોન્ફરન્સ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોન્ફરન્સનો શુભારંભ કરાવશે: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પણ રહેશે પ્રેરક ઉપસ્થિતિ: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, NEP નોડલ ઓફીસરો અને નિષ્ણાતો થશે સહભાગી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. ૨૬મી ઓક્ટોબરના રોજ ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦’ કોન્ફરન્સનું સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આયોજન કરવામાં આવશે.

  પ્રવક્તા મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે. જેના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની યુનિવર્સિટીઓના કુલપતિઓ, NEP નોડલ ઓફીઅરો અને નિષ્ણાતો મળી ૪૮૦ જેટલા ડેલીગેટ્સ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. અલગ-અલગ ચાર સેશનમાં ૨૦ જેટલા નિષ્ણાતો પોતાનાં વક્તવ્ય આપશે અને ચર્ચા-વિચારણા પણ કરશે.
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ ભારતમાં ૩૬ વર્ષ પછી શિક્ષણક્ષેત્રે ધરખમ સુધારો લાવતી એક મહત્વપૂર્ણ નીતિ છે. આજે દેશના અનેક રાજ્યોમાં આ નીતિનું સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, અને ગુજરાત NEP-૨૦૨૦ના સફળ અને અસરકારક અમલીકરણમાં પણ અગ્રેસર છે. આ કોન્ફરન્સ માટે એક ખાસ પોર્ટલ પણ શરુ કરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું

   
(6:24 pm IST)