Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

અધિકારીઓ - કર્મચારીઓની કામગીરી કેવી છે ? માહિતી મેળવતી સરકાર

નિષ્ઠાના અભાવવાળા સરકારી બાબુઓ પર સરકાર આકરા પાણીએ : વહીવટી તંત્રમાં ફફડાટ : ફરજિયાત વહેલી નિવૃત્તિ, ફરજ મોકુફી, બરતરફ વગેરે સુધીની સંભાવના : ફાઇલોના સમયસર નિકાલ પર મૂકાતો ભાર

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૪ : રાજ્યમાં વર્તમાન સરકારમાં મંત્રીઓ અને ધારાસભ્યોના મુખે છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રમાં બેઠેલા કેટલાક અધિકારીઓ - કર્મચારીઓ યોગ્ય રીતે કામ નથી કરતા તેવી માહિતીઓની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ પ્રકારની વહેતી થયેલી વાતોથી મુખ્યમંત્રી સુધીનું તંત્ર ચોકી જવા પામ્યું છે. આ વાત પછી સરકારી ઓફિસોમાં કામ ન કરતા અગર ઉપરની સૂચનાનું પાલન ન કરતા અધિકારીઓ - કર્મચારીઓ સામે સરકાર લાલ આંખ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

આવા અધિકારીઓ - કર્મચારીઓ કામ ન કરતા હોવાથી વિભાગોમાં ફાઇલોના ઢગલા થાય છે અને પરિણામે કામનો ભરાવો થાય છે. તાજેતરમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ બાબતો પર પુરતું ધ્યાન આપી તાજેતરમાં એક લેખિત સુચના બહાર પાડવામાં આવી છે. જેના આધારે વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવ્યાનું જાણવા મળે છે.

રાજ્ય સરકારમાં વહીવટી તંત્રમાં કામ કરતા અધિકારીઓ - કર્મચારીઓને આ સૂચના બહાર પડયાની જાણ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત એક ચોક્કસ પ્રકારનો ભય ઉપસ્થિત થયો છે.

સરકાર દ્વારા આ સૂચનાથી કામ ન કરતા અધિકારીઓ - કર્મચારીઓ સામે સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલા લેવામાં આવશે તેવો અણસાર આપવામાં આવ્યો છે. કામ કરતા સરકારી બાબુઓને ઉંમરનો બાદ રાખ્યા સિવાય વહેલા નિવૃત્ત કરી દેવાનું પણ વિચારવામાં આવ્યું છે.

આ અગાઉ આવી લેખિત સૂચના બહાર પાડવામાં આવી હતી પરંતુ આ સૂચનાનો પૂરતો અમલ થતો નહોતો જેના પરિણામે નવી સૂચના બહાર પાડી આકરા પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવતા જે અધિકારીઓ - કર્મચારીઓ પૂરતુ કામ ન કરતા હોય તેમને વહેલા નિવૃત્ત કરવામાં તેમજ સસ્પેન્ડ કરવામાં આવશે. તેમનો ભૂતકાળ પણ ચકાસવામાં આવશે અને જે ને વિભાગોમાં કામ કર્યું હોય તે વિભાગોમાંથી પણ પૂરતી વિગતો મંગાવવામાં આવશે તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આકરા પગલા લેવામાં આવશે.

આવા કિસ્સાઓમાં સરકાર દ્વારા એક વર્ષના સમયગાળામાં સંપૂર્ણ વિગતો તેમજ ચકાસણી કરવામાં આવશે અને કડકમાં કડક પગલા ભરવામાં આવશે.

આ અગાઉ ઘણાં સમય પહેલા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી ફાઇલો કયા અધિકારી - કર્મચારી કેટલો સમય પોતાની પાસે રાખી શકે તેવી ગંભીર સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે. આમ, આ નવી સૂચનાથી વહીવટી તંત્રમાં એક પ્રકારનો ફફડાટ પ્રસરી ગયો છે.

(11:13 am IST)