Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ભરૂચ પીડબલ્યુડી કચેરીના માલ-સામાનને જપ્ત કરાયો

ખેડૂતને ૩૦ વર્ષથી વળતર નહી ચૂકવતાં કાર્યવાહી : માર્ગ તેમજ મકાન વિભાગની કચેરીના કોમ્પ્યુટર-સીપીયુ, ટેબલ-ખુરશી સહિત કચેરીના માલ-સમાનની જપ્તિ કરાઇ

અમદાવાદ, તા.૪: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપોર ગામના ખેડૂતને જમીનના બદલામાં વળતર ચુકવવામાં અખાડા કરનારા સ્થાનિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે કોર્ટે લાલ આંખ કરી છે. ઝઘડીયા કોર્ટના આદેશથી માર્ગ અને મકાન વિભાગની ભરૂચ ખાતે આવેલી કચેરીના સામાનની જપ્તી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. ખાસ કરીને સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપોર ગામના રતિલાલ ભગતની જમીન રોડ માટે સંપાદિત કરવામાં આવી હતી. જમીનના બદલામાં તેમને માર્ગ અને મકાન વિભાગ પાસેથી ૩.૮૧ લાખ રૂપિયા ઉપરાંતની રકમ લેવાની નીકળતી હતી. છેલ્લા ૩૦ વર્ષથી માર્ગ અને મકાન વિભાગ રકમ ચુકવવામાં અખાડા કરતું હોવાથી તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. કોર્ટના આદેશથી શુક્રવારના રોજ ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સામાનની જપ્તી કાર્યવાહી શરૂ કરાઇ હતી. સ્થાનિક માર્ગ અને મકાન વિભાગની કચેરીના કોમ્પ્યુટર-સીપીયુ, ટેબલ-ખુરશી સહિતના કચેરીના માલ-સમાનની જપ્તી કરવામાં આવી હતી. જેના પગલે અધિકારીઓમાં દોડધામ મચી હતી. ખાસ કરીને સરકારી વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અદાલતી હુકમના તિરસ્કારને પગલે સરકારી તંત્રને આટલી નાલેશી સહન કરવાનો વારો આવતાં સરકારમાં પણ ઉચ્ચ કક્ષા સુધી તેની ગંભીર નોંધ લેવાઇ હતી.

(10:07 pm IST)