Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

લાપતા વૃષ્ટિના કેસમાં તપાસ આખરે ક્રાઈમબ્રાંચને સુપરત

સોહા અલીના ટવીટ્ બાદ પોલીસ પણ હરકતમાં : વૃષ્ટિ અને શિવમને શોધવા માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવાઈ : વૃષ્ટિ-શિવમના સીસીટીવી ફુટેજ સામે આવ્યા

અમદાવાદ, તા.૪ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી વૃષ્ટિના ગુમ થવાના પ્રકરણમાં નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોલીવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી છે. વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની વાત સામે આવતાં પોલીસે વૃષ્ટિ અને શિવમને શોધવા ત્રણ અલગ-અલગ ટીમ બનાવી છે. જેમાં પીએસઆઇ લેવલના અધિકારી છે. શિવમ અને વૃષ્ટિ બંને ઉવારસદ નજીક આવેલી કોલેજમાં સાથે ભણતા હતા. મહેસાણા લોકેશન પર તપાસ કરવામાં આવી છે. જો કે, બાદમાં સમગ્ર કેસની તપાસ આજે શહેર ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવામાં આવી છે, જેથી હવે ક્રાઇમબ્રાંચે તપાસનો દોર સંભાળી લીધો છે અને લાપતા વૃષ્ટિ-શિવમને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફુટેજ પણ સામે આવતાં પોલીસે તેના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

              શહેરભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસમાં વૃષ્ટિની ભાળ મેળવવા પોલીસે વૃષ્ટિ ગુમ થયાનું પોસ્ટર પણ લગાવ્યું છે અને તેની ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. બીજીબાજુ, શિવમનો પરિવાર અમેરિકા રહેતો હોવાનું જાણવા મળ્યું છે. વૃષ્ટિ શિવમના ઘરે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ છે. વૃષ્ટિ શરીરે મધ્યમ બાંધાની, રંગ શ્વેત, ઉંચાઈ આશરે ૫ાંચ ફૂટ એક ઈંચ છે. જ્યારે તેણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. વૃષ્ટિએ ગુમ થયા સમયે લાલ રંગની કુર્તી અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ તેણીના ડાબા હાથના કાંડાના ભાગે તથા ગરદનના નીચા ભાગે ટેટ્ટુ ત્રોફાવેલું છે. જો વૃષ્ટિ મળી આવે તો નવંરગપુરા પોલીસ સ્ટેશનના ૦૭૯-૨૬૪૪૦૬૯૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.

           ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિ જશુભાઈ નામની ૨૩ વર્ષીય યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગુમ થઈ છે. તેના પરિવારજનોએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુમ થયા મામલે નોંધ પણ કરાવી છે. વૃષ્ટિને શોધવામાં સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં સોહા અલી ખાને ટવીટ કરતાં લખ્યું કે, વૃષ્ટિ છેલ્લા બે દિવસથી ગુમ છે અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર લખ્યો છે. દરમ્યાન વૃષ્ટિના પરિવારજનોએ જણાવ્યું હતું કે વૃષ્ટિ તા.૩૦ સપ્ટેમ્બર બપોરથી ગુમ થઈ છે. તેનો ફોન બંધ છે.ચકચારભર્યા એવા આ કેસમાં આજે સમગ્ર કેસની તપાસ આખરે શહેર ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હતી.

(8:45 pm IST)