Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નર્મદાની કેનાલ ભંગાણ પડતા પાણીના પુરવઠાને અસર રહેશે

વડોદરાના પાંચ લાખને પાણીથી વંચિત રહેવુ પડશે : પાલિકા પાસે પાણી પુરૂ પાડવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી

અમદાવાદ, તા.૪ : વડોદરા મહાનગરપાલિકાના અંધેર વહિવટી તંત્રના કારણે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે. છોટાઉદેપુર તાલુકાના નસવાડી નજીક સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ભંગાણ પડતાં આ સ્થિતિ સર્જાઇ છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા મહાનગરપાલિકા પાસે પાંચ દિવસ પાણીથી વંચિત રહેનાર પાંચ લાખ લોકોને પાણી પૂરું પાડવાની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું છે. આ કેનાલનું સમારકામ કરવાનું હોવાથી નિગમ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નર્મદા કેનાલમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળી શકે તેમ નથી. જેથી શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણીનો જથ્થો મેળવતી પશ્ચિમ ઝોનની ગાયત્રીનગર, હરીનગર, વાસણા, તાંદલજા ટાંકી તેમજ દક્ષિણ ઝોનની માંજલપુર ટાંકી ખાતેથી તા.૪-૧૦-૦૧૯ના રોજ સવારે હળવા દબાણથી ઓછો સમય માટે તથા ૪-૧૦-૧૯ના રોજ સાંજથી ૮-૧૦-૦૧૯ના રોજથી ચાર દિવસ માટે સવારે અને સાંજે પાણી વિતરણ કરી શકાશે નહીં. અને પશ્ચિમ ઝોનની ગોરવા, સુભાનપુરા, વડી-વાડી, અકોટા તથા કલાલી પાણીની ટાંકીઓ ખાતેથી ૫-૧૦-૧૯ થી ૮-૧૦-૧૯ સુધી ચાર દિવસ માટે સવારે અને સાંજે હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે.

        પાલિકા દ્વારા જણાવાયું છે કે, નર્મદા કેનાલની મુખ્ય કેનાલનું સમારકામ પૂર્ણ થયા બાદ ૯-૧૦-૦૧૯થી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, નર્મદા નિગમની નસવાડી નજીક આવેલ કેનાલમાં ભંગાણ પડતાં સર્જાયેલી પાણીની સમસ્યાને કારણ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના અંદાજે ૫ લોકોને પાણી માટે વલખા મારવા પડશે. મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ પડતાં પાંચ દિવસ માટે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સર્જાનારી પાણીની સમસ્યા અંગે પાલિકા દ્વારા વહેલામાં વહેલીતકે શહેરીજનોને પાણી મળી રહે તેવા પ્રયાસો કરશે. જોકે, ગંભીર બાબત એ છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેનારા પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણી પૂરું પાડી શકે તે માટેની કોઇ વ્યવસ્થા નથી.

(8:42 pm IST)