Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગાંધીનગર નજીક અગમ્ય કારણોસર મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી કરપીણ હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ગાંધીનગર: શહેર નજીક સરગાસણ ગામની સીમમાં ગઈકાલે મોડી સાંજે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી હત્યારાને શોધવા દોડધામ શરૂ કરી હતી. ગામમાં માતાની સાથે રહેતી મહિલાની હત્યા કોણે અને કેમ કરી તે માટે પોલીસ તમામ થીયરી ઉપર કામ કરી રહી છે.  

ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ ગામમાં માતા સાથે છેલ્લા ચાર વર્ષથી રહેતી પરિણીત મહિલા બકુલાબેન શકરાજી ઠાકોર ઉવ.૩૮ સરગાસણ ગામ પાસે આવેલી નાગરિક બેંકમાં સાફસફાઈનું કામ કરતી હતી. ગઈકાલે તે અન્ય સ્થળે પણ કામ કરવા માટે ગઈ હતી. જે રોજીંદા રસ્તેથી તે જતી હતી ત્યાં રાત્રે આઠ વાગ્યે તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ ગ્રામજનોએ જોયો હતો. જે સંદર્ભે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી હત્યારાને શોધવા તપાસ શરૂ કરી હતી. ડોગ મુખ્ય રસ્તા સુધી પહોચ્યા હતા જેથી હત્યા કરવા આવનાર વ્યક્તિ વાહન લઈને આવ્યો હોવાનું પોલીસને લાગ્યું હતું.

(5:48 pm IST)