Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

આંતરિક વિવાદો અને જુથવાદના કારણે ગુજરાતમાં છેલ્લા ૪ વર્ષમાં અત્યંત ખરાબઃ જિલ્લા પંચાયત અને પાલિકાઓમાં સત્તા ગુમાવવી પડી

અમદાવાદ :આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતના ઈલેક્શનમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાને કબજે કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 21 પર કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ થયું હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 11 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી છે. જેમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ, ડાંગ અને દ્વારકા સામેલ છે.

હારનું ઠીકરું બીજેપી પર ફોડવું કેટલું યોગ્ય

આજે વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે. હવે એ પરિસ્થિતિ છે કે, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી નીકળવાની તૈયારી પર છે. કેમ કે, અહીં પરિસ્થિતિ સમગ્ર રીતે પાર્ટીની વિરુદ્ધ જતી દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રમુખની વિરુદ્ધ કોંગ્રેસના સદસ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચૂક્યા છે. પરંતુ પોતાની આંતરિક પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા કરતા કોંગ્રેસ પોતાની હારનું ઠીકરું બીજેપી પર ફોડતી નજર આવી રહી છે.

42 તાલુકા પંચાયત ગુમાવી

જિલ્લા પંચાયત ઉપરાંત ગત ત્રણથી ચાર વર્ષમાં કોંગ્રેસે પોતાની લગભગ 42 તાલુકા પંચાયત પણ ગુમાવી છે. આંતરિક જુથવાદ અને ઝઘડાને કારણે આજે કોંગ્રેસ આવી સ્થિતિ પર આવી ગયું છે. જો તાલુકા પંચાયતોની વાત કરીએ તો કોંગ્રેસ માટે ગુજરાતમાં સૌથી મોટું નુકશાન થયું છે. આ નુકશઆન માટે કોંગ્રેસ કહી રહી છે કે, સત્તા પક્ષ ડરાવી-ધમકાવીને અમારા સદસ્યોને તોડી રહી છે.

16 નગરપાલિકા ગુમાવી

વર્ષ 2015-16માં 83 નગરપાલિકાઓના ઈલેક્શનમાં કોંગ્રેસે 29 નગરપાલિકાઓ પર પોતાની સત્તા મેળવી હતી. પરંતુ કોંગ્રેસે તેમાંથી 16 નગરપાલિકા ગુમાવી દીધી છે. તો બીજી તરફ, વિધાનસભા સીટની વાત કરીએ તો ઈલેક્શન બાદ અત્યાર સુધી કોંગ્રેસ સાત ધારાસભ્ય ગુમાવી ચૂકી છે. હવે 6 વિધાનસભા સીટ માટે ઉપચૂંટણી થવા જઈ રહી છે, જ્યાં કોંગ્રેસ ચારે તરફથી નબળુ દેખાઈ રહ્યું છે. આર્ટિકલ 370 હટ્યા બાદ તો પ્રદેશ કોંગ્રેસે જાણે હથિયાર હેઠા મૂકી દીધા છે. વિપક્ષ ન તો કોઈ સ્થાનિક મુદ્દાને યોગ્ય રીતે ઉઠાવી રહ્યું છે, તો ન તો લોકોને ભરોસો અપાવી રહ્યું છે. 

આજે વડોદરા જિલ્લા પંચાયત ગુમાવી

વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના હાથમાંથી વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી છે. ભાજપના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા છે. 36માંથી 26 સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ, વડોદરા જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે.

(5:12 pm IST)