Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વડોદરામાં મયંક ટેલરની ઘાતકી હત્યા કેસમાં પંડ્યા બ્રધર્સ સહિત ૩ની ધરપકડઃ દોઢ મહિના પહેલા ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ તલવાર-ગુપ્‍તીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો

વડોદરા: વડોદરાના જ્યુબિલીબાગ પાસે તલવાર અને ગુપ્તીના 8 ઘા મારીને થયેલી મયંક ટેલરની ઘાતકી હત્યાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. આ પહેલાં પણ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી.

પોલીસ ચોપડે વોન્ટેડ બંધુઓએ 26 સપ્ટમ્બરને રાત્રે 9:30 કલાકે જ્યુબિલીબાગ પાસે શંકર પાનના ગલ્લા પર મિત્રો રાજુડી અને લાલુ સાથે ઉભેલા મયંક ટેલર પર ઘાતકી હુમલો કર્યો હતો. પંડ્યા બંધુઓએ તલવાર અને ગુપ્તીના ઉપરા છાપરી 8 ઘા ઝીંકી દેતાં મયંક લોહી લુહાણ હાલતમાં રોડ પર ફસડાઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મયંકને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું.

જાહેરમાં હત્યાના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો એકશનમાં આવી ગઇ હતી. હત્યાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ કેસમાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં કેસના મુખ્ય સુત્રધાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે હત્યા પાછળ મયંક અને આરોપી બંટીની પત્ની ધારા વચ્ચેના આડાસંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. હત્યાના 3 દિવસ પહેલા મયંકે ધારાના બેંક એકાઉન્ટમાં રૂપિયા 2 હજાર જમા કરાવ્યા હતાં. તેની જાણ બંટીને થઇ જતાં બંટી અને તેના ભાઈ ચિરાગે મયંકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

(5:10 pm IST)