Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં ફાટફૂટઃ રિક્ષાચાલક એસોસીએશનો જ હડતાળમાં જોડાયા નહીઃ અસર નહીંવત

નવા મોટર વ્હિકલ એકટના વિરોધમાં સ્વયંભૂ હડતાળમાં

અમદાવાદ, તા.૪: કેન્દ્ર સરકારના નવા મોટર વ્હીકલ એકટના વિરોધમાં ગુરૂવારે અમદાવાદના કેટલાક રીક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળનું એલાન આપ્યું હતું પરંતુ રીક્ષાચાલકોની આ હડતાળનો બહુ મોટો ફિયાસ્કો થઈ ગયો હતો. ખુદ રીક્ષાચાલકોના મોટાભાગના એસોસીએશનો જ જોડાયા ન હતા.

કેટલીક જગ્યાએ તો રીક્ષાચાલકોની દાદાગીરી અને જબરદસ્તીથી રીક્ષા બંધ કરાવવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. દર વખતે નાગરિકોને બાનમાં લેવાના રીક્ષાચાલકોના વલણને લઈ પ્રજામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં  મોટાભાગની રીક્ષાઓ ચાલુ જોવા મળી હતી. આમ, રીક્ષા હડતાળમાં પણ વિવાદ સામે આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી અમદાવાદના રીક્ષા ચાલકો વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. હવે નવા મોટર વ્હીકલ એકટના કારણે રીક્ષાચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાને લઇ રીક્ષા ચાલકો અને રીક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભૂ હડતાળનું એલાન કરાયું હતું.

ગીતામંદિર, એસટી બસ સ્ટેન્ડ પાસે કેટલાક રીક્ષાચાલકો હડતાળમાં જોડાયા હતા પરંતુ બાકીના વિસ્તારોમાં રીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. એટલું જ નહી, ખુદ રીક્ષાચાલકોના એસોસીએશન જ આજની હડતાળમાં નહી જોડાતાં હડતાળનો ફિયાસ્કો થઈ ગયો હતો.

રીક્ષાચાલકોમાં જ હડતાળને લઇ ફાડિયા સામે આવ્યા હતા. અંદરોઅંદર રીક્ષાચાલકોના મતભેદ અને મનભેદ પણ સપાટી પર આવી ગયા હતા. સાંજે ૬ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ રહેલે. નવરાત્રિને કારણે શહેરીજનોને હાલાકી ન પડે માટે સાંજે ૬વાગ્યા બાદ રીક્ષા ચાલુ રાખવા માટે નિર્ણય કરાયો હતો.

જો કે આ હડતાળમાં મોટાભાગના રીક્ષાચાલકો જોડાયા ન હતા, તેઓને જબરદસ્તીથી બંધ કરાવવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણ સર્જાયુ હતું. રીક્ષાચાલકોની હડતાળના આંતરિક વિખવાદને લઇ નવો વિવાદ સામે આવ્યો હતો. દરમ્યાન સાંજે આરટીઓ તંત્રના અધિકારીઓ અને રીક્ષા ચાલક યુનિયનના હોદેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં તંત્ર દ્વારા રીક્ષાચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

(4:16 pm IST)