Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સરકારી નોકરીયાતો સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલત જેવી વ્યવસ્થા

સમય, શકિત અને નાણાનો વ્યય રોકવા બન્ને પક્ષે સ્વીકાર્ય હોય તેવો ઉકેલ શોધવા પ્રયાસ

ગાંધીનગર તા. ૪ :.. રાજય સરકાર દ્વારા સરકારી અધિકારી, કર્મચારી સામેની ખાતાકીય તપાસના કેસોમાં ઝડપી નિકાલ માટે 'લોક અદાલત' જેવું તંત્ર ઉભુ કરવાની યોજના છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ એ. એચ. મનસુરીની સહીથી તા. ર૪-૯-ર૦૧૯ ના રોજ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે સરકારી અધિકારી, કર્મચારી સામે ચાલતી ખાતાકીય તપાસની કાર્યવાહી સરળ, ઝડપી, પરિણામ લક્ષી અને બન્ને પક્ષોને સ્વીકાર્ય બને તે માટે  'લોક અદાલત' જેવી પધ્ધતિ અપનાવી ખાતાકીય તપાસનો કેસોનો નિકાલ કરવાનો સરકારે નિર્ણય લીધેલ તેમજ તેમાં સમયાંતરે સુધારાઓ કરેલ છે.

ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમઃ ૬ નીચે દર્શાવેલ નાની અથવા મોટી શિક્ષા કરવા માટે તહોમતદાર અધિકારીઓ, કર્મચારીઓને આરોપનામું બજાવવામાં આવે છે. અને તે સામે તેમણે બચાવનામું રજુ કરવાનું હોય છે. તહોમતદાર બચાવનામું રજૂ કરે તે તબકકે લોક અદાલત જેવી પધ્ધતિ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ જવા ઇચ્છતા હોય તો નિયત નમૂનામાં અરજી કરી શકશે. શિસ્ત અધિકારી તે પરત્વે કાળજીપૂર્વકની વિચારણાના અંતે વિગતવાર નિર્ણય નોંધીને એક માસમાં સમિતિ સમક્ષ કેસ રજૂ કરશે. દરેક વિભાગ-ખાતાના વડા તે કેસો તે હેતુ માટે સરકારે રચેલી ઉચ્ચકક્ષાની સમિતિને સોંપી શકશે.

ફકત દસ્તાવેજી પુરાવા પર આધારીત અને કોઇ સાક્ષીની જુબાની લેવાની ન હોય તેવા કેસો ખાતાકીય તપાસના ખાસ અધિકારી, તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત અધિકારી પાસે પડતર હોય જેમાં આખરી બ્રીફ રજૂ થયેલ ન હોય તો સમિતિ તેવા કેસો આ યોજના હેઠળ વિચારણામાં લઇ શકશે.  પણ જે કેસમાં સાક્ષીની જુબાની લેવાની હોય તેવા કેસો સાક્ષીની જુબાની શરૂ થતા પહેલા સમિતિ વિચારણામાં લઇ શકશે ત્યાર પછી નહીં.

ખાતાકીય તપાસના ખાસ અધિકારી - તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત અધિકારીને સોંપવામાં આવેલ કેસો વિભાગના સચિવ ખાતાના વડા ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવા પરત મેળવી શકશે પરંતુ ખાતાકીય તપાસના ખાસ અધિકારી તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત અધિકારીએ જે દિવસે કેસની સુનાવણી રાખી હોય તેના બે દિવસ પહેલાં કેસના કાગળો સંબંધિત વિભાગે, ખાતાના વડાએ તપાસ અધિકારીને અચૂક પરત કરવાના રહેશે જેઓ સુનાવણીના દિવસ પછી ઉપર્યુકત બાબત ધ્યાનમાં લઇ કાગળો, ફાઇલ સમિતિને રજૂ કરવા વિભાગ ખાતાના વડાને પરત મોકલશે.

ખાતાકીય તપાસના કેસોના નિકાલ કરવા માટે લોક અદાલત જેવી પધ્ધતિ અમલમાં મૂકવા માટે કેટલીક વહીવટી સુચનાઓ બહાર પાડવી જરૂરી છે. જે નીચે પ્રમાણે છે.

વર્ગ ૧ અને વર્ગ-ર ના અધિકારીઓ સામેના ખાતાકીય તપાસના કેસોમાં આવી સમિતિ તહોમતદાર અધિકારીના વહીવટી વિભાગના સચિવ અને અન્ય બે સચિવ એમ કુલ ત્રણ સચિવશ્રી કક્ષાના અધિકારીઓની બનાવવામાં આવે છે.

વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના કેસો માટે ખાતાના વડાની સમિતિ રચવાની કાર્યવાહી વહીવટી વિભાગે કરવાની રહેશે અને આવી સમિતિની રચના સત્વરે થાય તેની તકેદારી વહીવટી વિભાગના સચિવે રાખવાની રહેશે. જે વિભાગમાં બે ખાતાના વડાથી વધુ ખાતાના વડા હોય ત્યાં ત્રણ ખાતાના વડાની સમિતિ બનાવવાની રહેશે. પરંતુ જયાં બે કે તેથી ઓછા ખાતાના વડા હોય તે વિભાગ હસ્તક આ સમિતિમાં (૧) સંબંધિત ખાતાના વડા અને (ર) ખાતાના વિભાગના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના કેસો માટે વિભાગના સચિવશ્રી અને તે વિભાગના અન્ય બે નાયબ સચિવ સંયુકત સચિવ અધિક સચિવ સમાવેશ  કરવાનો રહેશે.

(11:51 am IST)
  • જામકંડોરણામાં વરસાદ પડયોઃ કોટડા સાંગાણીના ગામોમાં મોડી સાંજે વરસાદ પડયોઃ ગીર સોમનાથમા વરસાદ યથાવતઃ અમરેલી જીલ્લામાં વરસાદી માહોલઃ દેવળકી ગામમાં ધોધમાર વરસાદ પડયોઃ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં વરસાદ: બગસરામાં પણ ધીમીધારે વરસાદી પડ્યો હતો access_time 10:46 pm IST

  • હિન્દુઓના તીર્થધામ કેદારનાથનો પુનરોધ્ધાર : દેશના 12 જ્યોતિર્લીંગ માંહેના એક કેદારનાથના પ્રવેશદ્વારને ચાંદીથી મઢી દેવાયા : અગાઉના લાકડાના દ્વારને જલંધરના શ્રધ્ધાળુ વેપારીએ ચાંદીથી મઢી દીધા : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મંદિરનો પુનરોદ્ધાર કરવા માટે અનુરોધ કર્યો હતો access_time 12:38 pm IST

  • અમેરિકામાં ઈ સિગારેટ પીવાથી 18 લોકોના મોત : 1080 લોકોના ફેફસા ખરાબ થઇ જવાથી બિમાર : નિકોટીન ,તથા ગાંજો ભરેલી ઈ સિગારેટનું સેવન કરનાર વ્યસનીઓ પૈકી 80 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના : અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સનનો અહેવાલ : ભારતમાં ઈ સિગારેટ ઉપર પ્રતિબંધ access_time 12:11 pm IST