Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ડો. ત્રિવેદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

પત્ની સુનિતા અને કિડની હોસ્પીટલના ડાયરેકટર ડો. મિશ્રાએ આપ્યો મુખાગ્નિ

રાજકોટઃ. દુનિયાભરમાં પ્રસિદ્ધ અમદાવાદની કિડની હોસ્પીટલના સંસ્થાપક ડાયરેકટર ડો. એચ.એલ. ત્રિવેદીના અંતિમ સંસ્કાર ગઈકાલે કરાયા હતા. દુધેશ્વર સ્મશાન ઘાટ પર તેમના પત્ની સુનિતા ત્રિવેદી અને હોસ્પીટલના ડાયરેકટર ડો. વિનિત મિશ્રાએ ડો. ત્રિવેદીના પાર્થિવદેહને મુખાગ્નિ આપ્યો હતો. આ પહેલા કિડની હોસ્પીટલના પરિસરમાં તેમના પાર્થિવ શરીરના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

અમદાવાદની સિવિલ હોસ્પીટલના પરિસરમાં આવેલ ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના સંસ્થાપક, ડાયરેકટર અને કિડની રોગના નિષ્ણાંત ડો. એચ.એલ. ત્રિવેદીનું બુધવારે લાંબી બિમારી પછી નિધન થયુ હતું. ગુરૂવારે તેમના પાર્થિવદેહને કિડની હોસ્પીટલના પરિસરમાં લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી તેમના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જેમા ડોકટરો ઉપરાંત રાજ્યના સ્વાસ્થ્ય સચિવ ડો. જયંતી રાવ, ભૂતપૂર્વ પ્રધાન શંકર ચૌધરી, કેન્સર હોસ્પીટલના ડાયરેકટર ડો. શશાંક પંડયા, યુ.એન. મહેતા કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના ડાયરેટર ડો. આર.કે. પટેલ, આંખોની હોસ્પીટલના ડાયરેકટર ડો. મરીયમ મન્સુરી, સીનીયર નેત્ર નિષ્ણાંત ડો. સોમેશ અગ્રવાલ, પ્રખ્યાત કવિ માધવ રામાનુજ, કિડની હોસ્પીટલના ડોકટરો, સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ભૂતપૂર્વ આરોગ્ય સચિવ ડો. અમરજીતસિંહ ઉપરાંત કેટલાય સાહિત્યકારો, ડો. ત્રિવેદીના કેટલાય દર્દીઓ અને સામાન્ય નાગરિકો સામેલ હતા. દર્શન પછી તેમના પાર્થિવદેહને દુધેશ્વર સ્થિત સ્મશાન ઘાટ લઈ જવાયો હતો. તેમની અંતિમ યાત્રામાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આઈકેડીઆરસીમાં  દર વર્ષે લગભગ ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આ ઉપરાંત લીવર અને પેન્ક્રીયાસના ટ્રાન્સપ્લાન્ટ પણ કરાય છે. અત્યાર સુધીમાં અહીંયા લગભગ ૬૦૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ત્રણસો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી ચુકાયા છે, એટલુ જ નહી રોબોટીક દ્વારા પણ ૪૫૦થી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચુકાઈ છે.

ડો.ત્રિવેદીએ દર્દીઓના ઉપચારમાં જીવન સમર્પીત કર્યુઃ ડો. મિશ્રા

આઇકે ડીઆરસીના ડાયરેકટર શ્રી ડો. વિનિત મિશ્રાએ ડો.એચ.એલ.ત્રિવેદીને ચિકિત્સા ક્ષેત્રના રૂષી હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન દર્દીઓના ઉપચાર માટે શ્રેષ્ઠ પધ્ધતિના ઉપચાર કરવામાં સમર્પીત કર્યું હતું તેમણે પોતાના કરતા બીજાના હીતો માટે હંમેશા વધુ વિચાર્યુ હતું.

આંગળીના વેઢે ગણાય તેટલા નેફ્રોલોજીસ્ટમાંના એક હતા ડો.ત્રિવેદીઃ ડો.પંકજ શાહઃ અમદાવાદ કિડની હોસ્પીટલમાં છેલ્લા ૩પ વર્ષથી કાર્યરત ડો. પંકજ શાહે ડો. ત્રિવેદીના શરૂઆતના સમયની પ્રેકટીસને યાદ કરતા જણાવેલ કે તેમણે જયારે ૭૦ ના દાયકામાં પ્રેકટીસ શરૂ કરી ત્યારે વિશ્વમાં ખૂબજ ઓછા નેફ્રોલોજીસ્ટો હતા. આજે દુનિયાભરમાં કિડની નિષ્ણાંતો ઘણા વધ્યા છે અને તેમાં પણ ડો. ત્રિવેદીનો ફાળો છે તેમના માર્ગદર્શનમાં ભણેલ ડોકટરો આજે  અમદાવાદ, ગુજરાત અને દેશભરમાં સેવા આપી રહ્યા છે.

ગરીબ દર્દીઓની ફી નિસંકોચ ઓછી કરતાઃ માધવ રામાનુજઃ ડો. ત્રિવેદી અંગે કીડની હોસ્પીટલના માનવ સંશાધન વિભાગના અધ્યક્ષ માધવ રામાનુજે જણાવ્યું હતું કે ડો.ત્રિવેદી પાસે જયારે જરૂરીયાત મંંદે દર્દી ઉપચારનો ખર્ચ ઓછો કરાવવા માટે આવતા ત્યારે તેઓ નિસંકોચ ખર્ચ બને તેટલો ઓછો કરી આપતા હોસ્પીટલમાં તે આધારે કાર્ય ચાલુ જ છે ગુજરાતની બહારથી આવેલ દર્દીઓના હીતમાં પણ તેઓ હંમેશા કામ કરતા

અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી ગુજરાતની વિરલ વિભૂતિ એવા ડો. ત્રિવેદી સાહેબને હૃદયાંજલી અર્પી હતી.

(11:49 am IST)