Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુરતના અટલ સંવેદના કોવિડ સેન્ટરના કોરોના વોર્ડમાં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ

યુવા કલાકાર જેનિશ કોરોના દર્દીઓની વ્હારે: સુમધુર સંગીત અને ગાયકી સાથે કોરોના દર્દીઓનું દુઃખદર્દ હળવું કરવા પ્રયાસ

સુરત : કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત બને અને મનમાં હતાશા ન આવે તેની કાળજી હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટરમાં લેવામાં આવી રહી છે. સુરતના યુવા કલાકાર જેનિશ કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે. સુમધુર સંગીત અને ગાયકી સાથે કોરોના દર્દીઓનું દુઃખદર્દ હળવું કરવા અને માનસિક શાંતિ આપવાની સાથે હ્યદયમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી રહ્યાં છે. અલથાણ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં જેનિશના સંગીત થેરાપીના નવતર પ્રયોગથી કોરોના દર્દીઓનું દુઃખદર્દ હળવું થાય છે.

 

            જેનિશ સુરતી સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને મ્યુઝિક આર્ટીસ્ટ પણ છે. તેઓ જુલાઈ માસથી અટલ કોવિડ સેન્ટરમાં રિસેપ્શન તથા મેનેજમેન્ટ કાર્યમાં સેવા આપી રહ્યા છે. જેનિશ સુરતીએ જણાવ્યું હતું કે શારીરિક બીમારીથી પીડાતાં રોગી માનસિક રીતે ભાંગી પડતાં હોય છે. શારીરિક બિમારીનું મુળ મન હોય છે. માણસ મનથી મક્કમ બની જાય તો બીમારીથી મુક્તિ મેળવવી સરળ બને છે. સંગીત માત્ર મનોરંજન માટેનો પ્રકાર નથી રહ્યો. વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવી લેવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ સંગીતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

(11:39 pm IST)