Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વલસાડના જુના જનસંઘી કૈલાસનાથ પાંડેનું નિધન

વલસાડના કૈલાસનાથ પાંડે લોકોના પ્રાણ પ્રશ્નોને તંત્રો સુધી પોચાડતા

વલસાડના વર્ષો જૂના જનસંઘી અને ભાજપનો પાયો નાખનારા પાંડે પરિવારના કૈલાસનાથ પાંડેનું જૈફ વયે વલસાડમાં ટુંકી માંદગી બાદ તેમનું નિધન થયું હતુ. વલસાડમાં કૈલાસનાથ પાંડેનું નામ ખૂબ જાણીતું છે. લોક સમસ્યા માટે હંમેશા અગ્રીમ રહેતા કૈલાસનાથ પાંડેના નિધનથી વલસાડને સામાજીક ક્ષેત્રે સેવાકરનારની મોટી ખોટ સાલશે.

વલસાડના પ્રખર જનસંઘી કૈલાસનાથ પાંડે વલસાડમાં અટલ બિહારી વાજપેયીની મુલાકાત સમયે પોતે યજમાન બન્યા હતા. લાલ કૃષ્ણ અડવાણી પણ તેમના ઘરના મહેમાન બની ચૂક્યા હતા. વલસાડમાં ભાજપનો પાયો નાખવામાં તેમનો મહત્વપૂર્ણ પાયો હતો. તેઓ છેલ્લે સુધી લોકસેવા માટે સતત કાર્યરત રહ્યા હતા. વલસાડના અબ્રામા વિસ્તારમાં ઠપ્પ પડેલા ડ્રેનેજ પ્રોજેક્ટ માટે તેમણે થોડા સમય અગાઉ જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત બાદ રૂપાણીએ આ પ્રોજેક્ટને વેગવંતો બનાવવા સૂચના આપી દીધી હતી. વલસાડમાં પોલીસનો લોકદરબાર હોય કે, જીઇબીનો લોકદરબાર કૈલાસનાથ પાંડે હંમેશા લોકોની સમસ્યાને વાચા આપવા હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના અચાનક અવસાનને લઇ વલસાડમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. (કાર્તિક બાવીશી )

(8:10 pm IST)