Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બે વર્ષની બાળકીના દુષ્કર્મીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારતી સુરત જિલ્લાની પોક્સો કોર્ટ

સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે જરૂરી છે, જેથી આજીવન સજા

સુરતઃ સુરતમાં નાની બાળકીઓ પર થેયલા અપહરણ અને બળાત્કાર સહિતના આરોપીઓને પોકસો કોર્ટ દ્વારા કડક સજા સંભળાવવામાં આવી રહી છે, ત્યારે સુરતની ખાસ પોકસો કોર્ટે બે વર્ષની બાળકીના અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

સુરત જિલ્લાની ખાસ પોકસો કોર્ટના સરકારી વકીલ કિશોર રેવલિયાએ જણાવ્યું હતું કે માર્ચ 2019માં અમરોલી વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકી પોતાના ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થઈ હતી ત્યારે પિતા કડિયાકામ કરવા માટે ગયા હતાં, જ્યારે માતા ઘરમાં પોતાનું કામ કરી રહી હતી. બપોરના સમયે જ્યારે ઘરની બહાર રમતી બાળકીને જોવા માટે માતા બહાર આવે છે, ત્યારે મળી આવતી નથી. બાળકીની માતા તેની શોધખોળ કરે છે, અને તેના પિતાને પણ તેની જાણ કરે છે. માતા પિતા બન્નેએ બાળકીને આસપાસના વિસ્તારમાં શોધી હતી, પરંતું તે નહીં મળી આવતા અમરોલી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બાળકીના ગુમ થયા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં માતા-પિતાને એક દુકાનદારે કહ્યું હતું કે બપોરના સમયે બિજલી નામનો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો, જેને બાળકીને ચાર ચોકલેટ અપાવી હતી. બિજલી તે સમયે નશામાં ધૂત હતો. બાદમાં બાળકીને લઈ જતો રહ્યો હતી. બીજા દિવસે ઘટની નજીકમાં આવેલા એક ખેતરમાં કામ કરતાં લોકોને બાળકી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. બાળકી અંગે પરિવારને જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવવમાં આવે જેમાં તેના પર બળાત્કાર થયો હોવાનું સાબિત થાય છે. બીજી તરફ પોલીસ આરોપી શત્રુધન ઉર્ફે બિજલીને પણ શોધી કાઢે છે. તેની પૂછપરછમાં તે કહે છે કે બાળકીને ખેતરમાં લઈ ગયા બાદ તેની સાથે શારીરિક સબંધ બાંધે છે, જોકે બાળકી રડવા લાગે છે જેથી તે બાળકીને ખેતરમાં જ છોડી ભાગી જાય છે.

સમગ્ર કેસ સુરત જિલ્લાની ખાસ પોકસો કોર્ટમાં ચાલે છે, જેમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનને સાંભળી નામદાર જજ પી એસ કાલાએ આરોપી શત્રુઘન ઉર્ફે બિજલીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ નોંધ કરી હતી કે આરોપીએ જે ગુનો કર્યો છે, તેમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારી શકાય તેવી જોગવાઈ છે, પરંતુ આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખી તે આજીવન જેલમાં રહે અને પોતાના ગુનાનો પ્રશ્ચાતાપ કરે તે જરૂરી છે, સાથે જ સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે જરૂરી છે, જેથી આજીવન સજા ફટકારવામાં આવે છે.

(6:51 pm IST)