Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બનાસ ડેરીનું સહકારી માળખુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપઃ ડો.કથીરિયા

ડેરીની મુલાકાત લેતા કામધેનુ આયોગના અધ્યક્ષ : શંકર ચૌધરીને અભિનંદન

રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરીયાએ પાલનપુરની બનાસ ડેરીની મુલાકાત લેતા ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ તેમને આવકારી માહીતી આપેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા.,૪: રાષ્ટ્રીય કામધેનુ આયોગ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો.વલ્લભભાઇ કથીરીયાએ બનાસકાંઠા જિલ્લાની નંબર વન બનાસ ડેરી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ડો. કથીરીયાએ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી સાથે યુ.એસ.ટી. પ્લાન્ટ, ચીઝ પ્લાન્ટ સહીત ડેરીના વિવિધ પ્લાન્ટોની મુલાકાત લઇ ડેરીના વિકાસની વિગતો મેળવી હતી. ડો.કથીરીયાએ બનાસકાંઠા જિલ્લાની સહકારી પ્રવૃતીઓની સરાહના કરતા જણાવ્યું કે બનાસ ડેરીને સહકારી માળખુ સમગ્ર દેશ માટે રોલ મોડેલ અને પ્રેરણારૂપ છે તેમણે જણાવ્યું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં બનાસ ડેરીનું બહુ મહત્વનું યોગદાન છે. દેશી ગાયોના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી ડેરીઓની પ્રવૃતિઓની તેમણે પ્રસંશા કરી હતી. તેમણે કહયું કે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના કર્તવ્યનિષ્ઠ અને દ્રષ્ટિવંતા નેતૃત્વના કારણે બનાસ ડેરી ખુબ ઝડપથી પ્રગતીના સોપાનો સર કરી રહી છે. તેમણે ગૌશાળાઓ સાથે એમ.ઓ.યુ. કરવા અને ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરવા જણાવ્યું હતું.

બનાસ ડેરીની દુધ સંપાદન ઉપરાંત બટકા પ્રોડકટ હની (મધ) પ્લાન્ટ, બનાસનું નવરસ તેલ, બાયોગેસ પ્લાન્ટ, ર૪૦ જેટલાં વેટર્નરી ડોકટરો દ્વારા પશુઓને અપાતી સારવાર, પશુઓની ઓલાદ સુધારણા માટે સીમેન સેન્ટર, પશુઓના દાણ માટેના કેટલા પ્લાન્ટ, વૃક્ષારોપણ, બનાસ ડેરી સંચાલીત ૨૦૦ બેડની બનાસ મેડીકલ કોલેજ, દિયોદર તાલુકાના સણાદર ખાતે આકાર પામી રહેલા ડેરીના નવા પ્લાન સહીત ડેરી દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃતિઓની તેમણે વિગતવાર માહીતી આપી હતી. તેમણે સરદાર  કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલ નવા સંશોધનો અંગેની જાણકારી મેળવી યુનિવર્સિટીના કાર્યને બિરદાવ્યું હતું. બનાસ ડેરીની મુલાકાત પ્રસંગે બનાસકાંઠાના સંસદસભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી કીર્તીસિંહ વાઘેલા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇ, બનાસ બેંકના ચેરમેનશ્રી એમ.એલ.ચૌધરી, ડેરીના બોર્ડ ઓફ ડીરેકટર સર્વશ્રી અણદાભાઇ પટેલ, પી.જે.ચૌધરી, શ્રી ભાવાઇ રબારી, શ્રી ફલજીભાઇ પટેલ, એમ.ડી.શ્રી કામરાજભાઇ ચૌધરી સહીત ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહયા.

(4:01 pm IST)