Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મંડપ એસોસિએશને કોઇપણ રાજકિય પક્ષના કાર્યક્રમમાં મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો

ગુજરાત રાજ્ય મંડપ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઇનું કહેવું છે લોકડાઉન બાદ મંડપ વ્યાવસાયિકારોની આર્થિક હાલત કફોડી બની છે

અમદાવાદ તા. ૪ : લગ્ન પ્રસંગે ૧૦૦થી વધુ વ્યકિતઓની છૂટ ન અપાતા મંડપ અને ડેકોરેશન એસોશિએનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડપ એસોસિએશને રાજકિય પક્ષોના મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજકીય અગ્રણીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે.

રાજય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા મંડપ એસોસિએશને ભાજપ-કોંગ્રેસ સહિત કોઈપણ રાજકિય પક્ષના કાર્યક્રમ માટે મંડપ ડેકોરેશન ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, લગ્નપ્રસંગ કરવા હોય તો નિયમો, પરંતુ રાજકિય પક્ષોની રેલીમાં ભીડ હોય તો વાંધો નહીં.

ગુજરાત રાજય મંડપ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈનું કહેવું છે લોકડાઉન બાદ મંડપ વ્યાવસાયકારોની આર્થિક હાલત કફોડી બની છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ ૬ હજાર લોકોની રોજગારી સામે સવાલ ઉભા થયા છે. આ સંજોગોમાં રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવાં છતાં કોઈ ઉકેલ ન આવતા રાજકિય પક્ષોના કાર્યક્રમમાં મંડપ ડેકોરેશન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. અને જયાં સુધી મંડપ વ્યવસાયકારોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

(10:02 am IST)