Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

છેલ્લાં 19 માસથી સંકલન સમિતિની બેઠક નહીં !!: ત્રીજી લહેરની આશંકા વચ્ચે તાત્કાલિક બેઠક બોલાવવા ગ્યાસુદીન શેખની માંગ

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો : બેઠકના અભાવે ધારાસભ્યો તથા સંસદ સભ્યો પોતાના મંજુર કરાયેલા કામોની સમીક્ષા કરી શકતા નથી

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે તેવા સમયે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ થતા અટકાવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંકલન સમિતિની તાત્કાલિક બેઠક બોલાવવા માટે અમદાવાદ શહેરના દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે.

દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મ્યુનિ. કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લાં 19 માસથી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી નથી. પરિણામે ધારાસભ્યો તથા સંસદ સભ્યો પોતાના મંજુર કરાયેલા કામોની સમીક્ષા કરી શકતા નથી. કોરોના મહામારીની ત્રીજી લહેરની નિષ્ણાંતો દ્વારા આગાહી કરાઇ રહી છે તેવા સમયે કોરોના મહામારીમાં પહેલી અને બીજી લહેરમાં લોકોને મહામારીનો ભોગ બનવું પડયું તે ફરીથી ન થાય તે માટે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે.

વધુમાં જણાવ્યું છે કે, પાણીજન્ય રોગચાળાના કારણે દિવસે દિવસે કેસોની સંખ્યા વધતી જાય છે. તેવા સમયે લોકો પ્રદૂષિત પાણીને કારણે ઝાડા-ઉલ્ટી તેમ જ ટાઇફોઇડના રોગના ભોગ બની રહ્યાં છે. ઉનાળાની શરૂઆત થઇ ત્યારથી જ કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્દભવવા પામી છે. પાણીના ઓછા પ્રેશર તથા પોલ્યુશનયુક્ત પાણી આવવાની ફરીયાદો મોટી માત્રામાં ઉઠવા પામી છે.

ધારાસભ્યો દ્વારા મંજુર થયેલા કામો રાજકીય કારણોસર મંદગતિએ ચાલી રહ્યાં છે તેને ઝડપી બનાવવા તથા પ્રાથમિક સુવિધાના કામોમાં થતાં વિલંબને દૂર કરવા તાત્કાલિક સંકલન સમિતિની મીટીંગની જરૂરિયાત ઉદ્દભવવા પામી છે. શાહપુર અર્બન હેલ્થ સેન્ટરનું નવું બનાવવાનુ કામ ઉદ્દઘાટન કર્યા પછી પણ બંધ અવસ્થામાં છે તેને તાત્કાલિક શરૂ કરવામાં આવે અને દરિયાપુર મસ્ટર ખાતે તાત્કાલિક આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવા ચર્ચા-વિચારણાં અત્યંત આવશ્યક છે.

પાછલાં વર્ષોની જેમ કન્સલ્ટન્ટની નિમણૂંક કરી પોલ્યુશન કંટ્રોલ સેલ બનાવી પૂર્વ અમદાવાદ સહિત કોટ વિસ્તારને પ્રદૂષિત પાણી અને ઊભરાતી ગટરોથી મુક્તિ અપાવવા રૂપિયા 25 કરોડની જોગવાઇ કરવા ચર્ચા-વિચારણાં અત્યંત જરૂરી છે. હાલમાં ચોમાસાની પણ શરૂઆત થઇ ગઇ હોવાથી શહેરમાં થોડાં જ વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્દભવવા પામ્યા છે. પ્રવર્તમાન વિવિધ મુદ્દાઓના નિરાકરણ પ્રત્યે ચર્ચા માટે સંકલન સમિતિની મીટીંગનું વહેલીતકે આયોજન કરવા વિનંતી કરી છે

(11:11 pm IST)