Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડોદરા:દિલ્હીથી આવતી ફ્લાઈટમાં દારૂની બોટલ સાથે પોલીસે બે મુસાફરોને રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: દારૂના ખેપિયાઓ દ્વારા દારૂ લાવવા માટે જુદા જુદા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. ખાનગી વાહનો, એસટી બસ અને ટ્રેન બાદ હવે વિમાનમાં પણ દારૂની ખેપ મારવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂની બોટલો લાવવામાં આવી રહી હોવાની વિગતોના પગલે હરણી પોલીસના પી.આઈ વી કે દેસાઈ અને ટીમે ગઇકાલે મોડી સાંજે એરપોર્ટ ખાતે વોચ ગોઠવી હતી. મુસાફરોના ચેકિંગ દરમિયાન બે મુસાફરની પાંચ ટ્રોલી બેગ અને હેન્ડબેગ ચેક કરવામાં આવતા તેમાંથી રૂ 62,000 ની કિંમતની દારૂની 37 બોટલ મળી આવી હતી.

પોલીસની પૂછપરછમાં પકડાયેલા ઓના નામ પાર્થ મુકેશ શ્રીમાળી (મહાલક્ષ્મી સોસાયટી,વાલમ હોલ પાસે,હરણી) તેમજ યાંત્રિક ઉર્ફે સોનુ દિલીપભાઈ શ્રીમાળી (ક્રિષ્ના પાર્ક સોસાયટી,રેલ્વે સ્ટેશન રોડ પાદરા) હોવાનું ખુલ્યું હતું.બન્ને જણા જુદી-જુદી બ્રાન્ડની 37 બોટલનો દિલ્હી ખાતેથી લાવ્યા હોવાની વિગતો ખુલતાં પોલીસે બંનેના મોબાઈલ પણ કબજે કરી અગાઉ આ રીતે કેટલી વાર દારૂ લાવ્યા છે તે બાબતે પૂછપરછ કરી છે.

(5:47 pm IST)