Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આણંદની સામરખા ચોકડી નજીક બે લકઝરીયસ કારમાં આવેલ શખ્સોએ ટ્ર્ક ચાલકને માર મારી 10 લાખની લૂંટ ચલાવતા ચકચાર પામ્યો

આણંદ : આણંદ પાસેની સામરખા ચોકડીના એક્સપ્રેસ હાઈવે નજીક ગતરોજ બે લક્ઝરીયસ કારમાં આવી ચઢેલ અજાણ્યા શખ્શોએ એક ટ્રક ચાલકને માર મારી મીઠુ ભરેલ રૂા.૧૦ લાખની ટ્રકની લૂંટ ચલાવતા ભારે ચકચાર મચી ગઈ છે. જો કે આ લૂંટારુંઓ ઘટના સ્થળેથી આશરે ૫ કી.મી. દુર ટ્રકને બિનવારસી હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી મીઠુ ભરી ટ્રકચાલક મુંબઈ ડીલીવરી આપવા માટે નીકળ્યો હતો. દરમ્યાન આ ટ્રક એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ આણંદ પાસેની સામરખા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર પાછળથી બે લક્ઝરીયસ કારમાં આવી ચઢેલ આઠથી દસ અજાણ્યા શખ્શોએ ટ્રકને આંતરી બળજબરીથી ઉભી રખાવી હતી. ત્યારબાદ ટ્રકચાલકને લાકડાના ડંડાથી માર મારી રોકડા રૂા.૧૦ હજાર એક મોબાઈલ ફોન તથા મીઠુ ભરેલ ટ્રક મળી કુલ્લે રૂા.૧૦  લાખની લૂંટ કરી લઈ ગયા હતા. જો કે કોઈ કારણોસર આ શખ્શોએ ટ્રકને પાંચ કી.મી. દુર બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકચાલકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)