Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઈડરના વસાઈ ગામની ચોરાયેલા ચંદનના ઝાડનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી

ઇડર: શહેર ના વસાઈ ગામની સીમમાંથી શનિવારે રાત્રે ચોરાયેલા ચંદનના ઝાડનો ભેદ ઉકેલવા પોલીસ દોડધામ કરી રહી છે, ત્યાં જ સોમવારે રાત્રે ફરીવાર આજ વિસ્તારમાં ત્રાટકેલ ચંદનચોર એક સાથે ચાર ઝાડ કાપીને ફરાર થઈ જતાં પોલીસ તંત્રની આબરૂના ધજાગરા થયાં છે, ચંદન ચોર ચોરીના સ્થળ પર 'હમ નહીં સુધરેંગે'ના લખાણવાળો રૂમાલ મુકી પોલીસ તથા વનતંત્રને ખુલ્લો પડકાર પણ આપી ગયા છે.

વસાઈ પંથકમાં પ્રાકૃતિક ચંદનના ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. છેલ્લા ૨૦ વર્ષથી વસાઈ પંથક ચંદન ચોર માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. ૨૦ વર્ષથી શરૂ થયેલા ચંદન ચોરીનો આ સીલસીલો આજે પણ અવિરત રહ્યો છે. પોલીસ કે વનતંત્રને ચંદન ચોરી અટકાવવામાં સફળતા મળી નથી, જેને કારણે અહીંનો ખેડુત હેરાન-પરેશાન થઈ ગયો છે.

ગત શનિવારે રાત્રે વસાઈના ખેડુત પરિવારને ત્યાંથી બે લાખનું ચંદનનું ઝાડ ચોરાયું હતું. આ ઘટનાની ફરિયાદ બાદ ચંદન ચોરને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ ઉપરાંત લોક્લ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપની ટીમે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલની મદદ વડે કવાયત હાથ ધરી હતી. ગામમાં પોલીસના આંટા ફેરા અને તપાસનો ધમધમાટ છતાં સોમવારે ફરીવાર ચંદનચોરો એ આજ વિસ્તારને ધમરોળી નાખી પોલીસને પડકાર ફેંક્યો હતો. ચંદન ચોર રાત્રિના સુમારે આશીષભાઈ દેસાઈના ત્રણ તથા મુકેશભાઈ દેસાઈનું એક મળી ચાર ઝાડની ચોરી કરી ગયા હતા. જેમાં કાપેલા ચંદનના ઝાડ પરક 'હમ નહીં સુધરેગે'ના લખાણવાળો રૂમાલ મુકી જઈ તંત્રને ચેલેન્જ પણ આપતા ગયા હતા.

(5:37 pm IST)