Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અમદાવાદમાં ઠેર-ઠેર બિસ્માર રસ્તાઓ તાત્કાલીક ૫ દિવસમાં રીપેર કરવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારનો આદેશ

કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટીંગ કરીને ભુવાઓ અને રસ્તાનું સમારકામ કરવા સુચના

અમદાવાદઃ અમદાવાદમાં ઘણી જગ્યાએ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બિસ્માર રસ્તાઓને લઈ લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી શહેરમાં તમામ ભૂવાઓ અને રોડના પુરાણ કરાવવા માટેની સૂચના આપી દીધી છે.

આસિસન્ટ કમિશનરોને પણ વોર્ડમાં રાઉન્ડ લઈ કામગીરી 10 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવા આદેશ કર્યો છે. આગામી પાંચ દિવસ વરસાદનો કોઈ આગાહી ન હોય ઝડપથી આ કામગીરી પુરી કરી દેવા સૂચના આપી હતી. શહેરમાં આવેલા રોડ રસ્તાના રિસરફેસ અને ભુવાના પુરાણ માટે કોન્ટ્રાક્ટરોને મૂળ ભાવ કરતા ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરવામા આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ સરખું કરવામાં આવતું નથી.

શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટેલા છે. રોડ બનતા હોય ત્યારે કડક સુપરવિઝન થતું નથી અને ત્યાં ‘કોણે, ક્યારે રોડ બનાવ્યો અને તેની ગેરંટી ક્યાં સુધીની છે’ તેના બોર્ડ મુકવા અંગે અગાઉની સ્ટેન્ડિંગ કમિટીએ વારંવાર સૂચના આપવા છતાં કોન્ટ્રાકટરો સાથેની મીલીભગતના કારણે તેનો અમલ થતો નથી. શહેરમાં રોડ રસ્તાને લઇ ચર્ચા કરવા માટે મળતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રોડ રસ્તા અને ભુવાના સમારકામ માટે ચર્ચા કરી અને અધિકારીઓને સૂચના આપવાની હોય છે.

જો કે કમિટિમાં તો ચેરમેન સહિતના સભ્યો આ બાબતે કોઈ ચર્ચા કરતા નથી અને માત્ર કામ આપવામાં આવે તેની જ ચર્ચા કરે છે જેથી ભાજપના શાસકોને લોકોને જે તકલીફ પડે છે તેને દૂર કરવામાં રસ નથી પરંતુ મ્યુનિસિપલ કમિશનરે રોડ રસ્તા તૂટવા મામલે ગંભીર નોંધ લઇ અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવી પડી છે.

(5:00 pm IST)