Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વધુ લોસવાળા વિસ્તારોમાં વીજ દરોડા પાડો : પાવર કટનો સમય ઓછો રાખો : પીજીવીસીએલની સમીક્ષા બેઠક

ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ટ્રાન્સફોર્મરનો સ્ટોક જાળવવા - પેન્ડીંગ અરજીઓનો તાકિદે નિકાલ કરો

રાજકોટ તા. ૪ : ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

પી.જી.વી.સી.એલ.ના કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇને આવકારતા મેનેજિંગ ડિરેકટરશ્રી ધીમતકુમારે  સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ની વીજળી વિભાગની પરિસ્થિતિથી મંત્રીશ્રીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વાકેફ કર્યા હતા.

મંત્રીશ્રીએ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા, એવરેજ ઈન્ટરપ્શનનુ ધ્યાન રાખવા,  ફીડરોની યોગ્ય જાળવણી કરવા, લાઇનવર્ક દુરસ્ત કરવા, વધુ લોસવાળા ફીડરનુ ચેકિંગ કરવા અને જરૂર પડ્યે પોલીસ પ્રોટેકશન લઈને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આમ નાગરિકોની તકલીફો નિવારવા પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવો મંત્રીશ્રી સૌરભભાઈએ ઉપસ્થિતોને તાકીદ કરી હતી.

ઉર્જામંત્રીશ્રીએ મરામત હેઠળના ટ્રાન્સફોર્મરનો સ્ટોક જાળવવા પણ જણાવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની જાળવણી પૂર્વવત કરી શકાય. કિસાન સૂર્યોદય, જયોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેકશન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીશ્રીએ છણાવટ કરી હતી. અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ કરી હતી. વિવિધ સર્કલોમાં પડેલા સ્ક્રેપનો સત્વરે નિકાલ કરવા પણ તેમણે ઉપસ્થિતોને આદેશો આપ્યા હતા.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈએ 'તાઉતે'  વાવાઝોડા બાદ અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ચીફ એન્જિનિયર શ્રી માવાણી, એડિશનલ ચીફ એન્જિનિયરશ્રી ભટ્ટ, તથા ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, કચ્છ વગેરેના અધિક્ષક ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:22 pm IST)