Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

એમની માર્મિક કાવ્ય પંકિત પાન, ફાકીથી લઈ યુધ્ધભૂમી સુધીના બાબતોને સ્પર્શવા સાથે શ્રોતાઓના હદયને પણ સ્પર્શે છે તેવા આઇપીએસ અધિકારીની રચનાનો ચાલો આસ્વાદ માણીએ

કાયદો વ્યવસ્થા મજબૂતીથી જાળવી રાખનાર વડોદરા ડીસીપી દીપક મેઘાણીનો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો

 રાજકોટ તા. ૪,  વડોદરાના એક આઇપીએસ અધિકારી હમણાં ખૂબ ચર્ચમાં છે, આ આઇપીએસ ચર્ચામાં હોવા પાછળનું કારણ પણ નિરાળું છે,પોલીસ તંત્રમાં રહેવા છતાં આ અધિકારી એક ખૂબ સારા નીડર અફસરની સાથે એક સારા કવિ પણ છે,તેમનો શોખની સીમાં લિમિટેડ નથી, તેઓ ચોટદાર અને માર્મિક રચનાઓ કલમ દ્વારા કંડારે છે અને લોકોમાં પણ તેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે, આ અધિકારી પહેલી જાણીતી અંગ્રેજી કહેવત કામના સમયે નિષ્ઠાપૂર્વક કામ કરે છે, જયારે ફુરસદના સમયે તેઓ માર્મિક કવિતાઓ કંડારે છે.

 આટલી પ્રસ્તાવના બાદ આ આઇપીએસ અધિકારીનો ચાહક વર્ગ સમજી જ ગયો હશે કે આ કોની વાત છે, આમ છતાં યુવાનો શરીર શોષ્ઠવ ને બદલે જે રીતે પાન અને માવા પ્રત્યે મમત રાખે છે તેવી બાબતો પર માર્મિક ટીપ્પણીઓ કરનાર આ અધિકારી એટલે વડોદરા ઝોન ૧ના નાયબ પોલિસ કમિશનર દીપક મેઘાણી તેમની કવિ તરીકેની ઓળખ આપીએ તેના કરતાં તેમની કવિતાની પંકિતઓ ઉપર દૃષ્ટિ કરીએ તે જાતેજ તેમની ઓળખ આપી દેશે 

'મુઠ્ઠીમાં મોત ભીડીને અક્ષોહિણીની સામે લડવું પડશે, તારું મનોમંથન જ ઉપદેશ, વિષાદમાંથી જાતે નીકળવું પડશે, સારથિ-સંગી વિના હવે, તારે એકલા હાથે લડવું પડશે. યુદ્ધભૂમિ આ બહુ આયામી, સામે દ્રશ્ય છે એ કેવળ એક ભાગ, પાંચજન્ય વિના સમરાંગણમાં હવે, તારે એકલા હાથે લડવું પડશે....' તો અન્ય પંકિતમાં તેઓ કહે છે....

'જવાબદારીનો કળશ મજબૂત હોય, શીશ તોજ ઢળે છે,

 જે તકોને ઝીલી જાણે, તકદીર એની ઝોળીમાં જઇ પડે છે....

 રસ્તો હોતો નથી, ચાલે એના પગ નીચે, આવીને એ પડે છે, હામ હૃદયમંથનની નીલકંઠ સમી જેમાં, એને ઝેર પણ ફળે છે....'

 તો વળી આપણે જેને ઇશ્કે મિજાજી કહીએ તેવી પંકિતઓ પણ તેમની કલમમાંથી સરી પડે કે... 'તું કહે તો તને ઝાકળથી ભીંજાયેલ ગુલાબ વારંવાર આપું,

 એક આયખું ઓછું પડશે, કહે તો જન્મોની ઘટમાળ આપું,

 જે બગીચાના બાંકડા પર કરતાં હતાં આપણે રોજ ગૂફતેગો,

 એ બાંકડો, એ બગીચો, એ શહેર, કહે તો આખો ગરાસ આપું....' વાહ... શું વાત કરી છે.... તેઓ આગળ કહે છે....

 'નદીઓ, પર્વતો, ગિરિકંદરાઓ, ટેકરીઓનાં ટોળાં બધા જુનવાણી થયા,

 તું કહે તો તને હિમશિલા આપું, ઉત્તર ધ્રુવ દક્ષિણધ્રુવનો કબજો બારોબાર આપું....'

 બોલો... આજ પર્યત આવી કલ્પના કોઇ કવિએ કરી હશે...! તો વરસાદી મોસમ છે ત્યારે તેમની કલમ વરસાદ વિશે કહે છે....

 'ગયો વરસાદ અને વાદળો ખોવાઇ ગયાં દૂર,

 પલળવાનાં હું હજીય બહાનાઓને શોધું છું...'

 અને છેલ્લે આ રચના મેઘાણી સાહેબના સંવેદનશીલ હૃદયનો પઘડો પાડતી હોય તેમ લાગે છે...

  'એક છોકરો જ્યારે, દિવસભર કચરાના ઢગને, ફંફોસીને, કંઇક વીણીને અને વેચીને,થોડાક પૈસા મેળવીને, જ્યારે બાને એ રાત્રે રાશન માટે,  હાથમાં જૂની નોટો અને મેલાં સિક્કા આપે છે,  અને સમાજ એવું માને છે કે એ કંઇ કમાતો નથી,

ત્યારે એ બીમાર સમાજને કચરાના ઢગ સાથે, બાળી ફુટવાનું મન થાય છે...

આવી અનેક સંવેદનશીલ, પ્રણયોર્મિયુકત અને વ્યંગ્યાત્મક કવિતાઓ તેમના કાવ્ય સંગ્રહ તિતિક્ષામાં છે જેમાંથી સૌ સાહિત્ય રસિકોએ પસાર થવુુ પડે.

શ્રી દિપક મેઘાણી કવિતાઓની રચના સાથે સાથે આજના યુવાઓને જીવનમાં ઉપયોગી થાય તેવા હકારાત્મક અભિગમ કેળવતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા તેમજ યુવાનોને પ્રોત્સાહક બની રહે એવા લેખો પણ લખે છે.

(3:17 pm IST)