Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજ્ય સરકારની ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની નેમને ભવ્ય સફળતાગુજરાતમાં રહેણાંકના મકાનો પર ૧૦૦૦ મેગાવોટના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિતઃ “હવે ગુજરાતનાં લોકો ઘરે ઘરે વીજ ઉત્પાદન કરતાં થયા

રાજયમાં કુલ ૨.૬૬ લાખ પરિવારોએ સોલાર ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા સોલાર રોફટોપ લગાવવા બદલ રાજયના નાગરિકોને અભિનંદન પાઠવતા ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

રાજકોટ તા.૪ : દેશના  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા ખાતે સોલર પાર્કના ઉદ્દઘાટન વખતે વર્ષ ૨૦૧૨ માં એટલે કે આજથી ૯ વર્ષ પહેલા એક સપનું સેવેલું કે મારા ગુજરાતમાં સોલર રૂફટોપ યોજના થકી મધ્યમ વર્ગના સામન્ય પરિવારો જે પોતાની જાત-મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે તે એક દિવસ પોતાના ઘરે-ઘરે વીજળી ઉત્પન્ન કરવાના નાના-નાના કારખાનાનો માલિક બનશે. 

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યુ કે મને ખૂબ જ હર્ષ અને ગર્વથી કહેવાનું મન થાય છે કે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયેલું આ સપનું હવે હકીકતમાં બદલાયું છે. 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્વ હેઠળ ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરુપે  સૂર્ય-ગુજરાત યોજના લાગુ કરી અને તા. ૨જી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ રાજ્યમાં રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧,૦૦૦ મેગાવોટથી વધુ પણ વધુ થવા પામી છે. અને કુલ ૨.૬૬ લાખ થી વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઇ ચુકી છે.  આ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૬૪૦ કરોડની સબસીડી આપવામાં આવેલ છે. રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે .સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં ૯૩૨ મેગાવોટની ક્ષમતા માટે રૂ. ૧૫૩૦ કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવેલ છે જેમાં પણ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે .સમગ્ર ગુજરાત રાજ્યની જનતાના ઉત્સાહ અને કંઇક નવું કરવાની ખુમારીને લઇને આપણા રાજ્યે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન પાર પાડ્યું છે. 

સૂર્ય-ગુજરાત યોજના  હેઠળ રાજ્ય સરકાર દ્વારા  ૪૦%  સુધીની સબસીડી આપવામા આવે છે અને આ સબસીડીનો લાભ લઇ વધુ ને વધુ પરિવારો તેમના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે તે આપણા સૌ માટે ખૂબ ગૌરવરૂપ ઘટના છે. 

ગુજરાતમાં વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળી ઉપયોગ કરીને વધારાની વીજળી વેચી વધારાની આવક મેળવે છે. 

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્રીન એનર્જી કલીન એનર્જીના નિર્માણ ક્ષેત્રે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે રાજ્યમાં કેન્દ્ર સરકારના સહયોગથી રૂફટોપ સોલાર યોજના કાર્યાન્વિત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સોલાર રૂફટોપ યોજનાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં દેશમાં ૪૦ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે. જેમાં ગુજરાત મહત્વનો રોલ અદા કરશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રૂફટોપ લાભાર્થીઓને યોજના અંગેની જાણકારી અને જાગૃતિ માટે તથા તેના ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરવાના સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

(12:51 pm IST)