Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સચિવાલયને પવિત્ર કરવું પડશે, મને ગેટ પર બેસાડજો, ભાજપવાળાને ઘુસવા નહીં દઉ : કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદિ નિવેદન

ગરીબ કલ્યાણ અન્ન ઉત્સવ કાર્યક્રમને ફોટા પડાવવા માટેના તાયફા ગણાવ્યા

 

અમદાવાદ :  ગુજરાત કોંગ્રેસનાં મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરીવાર વિવાદમાં આવ્યા છે, ગેનીબેન ઠાકોરનો એક વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભાજપ ધારાસભ્યો સામે વિવાદિત નિવેદન આપતા દેખાઈ રહ્યા છે. ગેનીબેને કહ્યું છે કે મને સચિવાલયનાં ગેટ પર બેસાડજો એકેય ભાજપવાળાને અંદર ઘૂસવા નથી દેવાના

ગેનીબેને કહ્યું કે જ્યારે આપણી સરકાર આવે એટલે કોંગ્રેસની સરકાર આવે અને હું જો માત્ર ધારાસભ્ય જ હોઉં તો મને મંત્રીપદ નથી જોઈતું, ચેરમેન પદ નથી જોઈતું.

કામ પણ નથી કરવું, પરંતુ મને વિધાનસભાનાં ગેટ પર બેસવાનું કામ આપી દેજો. આ ભારતીય જનતા પાર્ટીનાં લોકોને સચિવાયલમાં ઘૂસવા દેવાના નથી. હરિદ્વારથી આખી ટ્રેન ભરીને લાવી અને ગંગાજળથી સચિવાયલ ધોશો ત્યારે સચિવાયલ પવિત્ર થશે.

વાવથી કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેને દિયોદરની એક સભામાં આ વિવાદિત નિવેદન આપ્યું છે. બીજી તરફ આજે ગરીબ કલ્યાણ અન્ન ઉત્સવ ગુજરાત સરકાર ઉજવવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા ત્યારે ગેનીબેને આ કાર્યક્રમને ફોટા પડાવવા માટેના તાયફા ગણાવ્યા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અગાઉ પણ પોતાના આવા જ નિવેદનોનાં કારણે ચર્ચા અને વિવાદમાં રહ્યા છે. કોંગ્રેસનાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેઓ છવિ ધરાવે છે અને પોતાના ભાષણોથી ગુજરાતનાં રાજકારણને ગરમાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. .

(1:00 am IST)