Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અમદાવાદ : DPS ઇસ્ટ સ્કૂલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો DPEOનો નિર્ણય

આદેશોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે તો પ્રતિદિન 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો પણ હુક્મ

DPS ઈસ્ટ સ્કૂલને રૂ. 1 લાખનો દંડ ફટકારવાનો નિર્ણય ડીપીઇઓ દ્વારા લેવામાં આવ્યો છે. જો આદેશોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે તો પ્રતિદિન 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો પણ હુક્મ કર્યો છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા સ્કૂલનું હિયરીંગ રાખવામાં આવ્યું હતું અને તેમાં શાળા દ્વારા રજૂ કરાયેલા ખૂલાસાનો અભ્યાસ કર્યા બાદ નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા ઉપરોક્ત હુક્મ કર્યો હતો. જયારે બીજા ગુના સંબંધે અમદાવાદ ગ્રામ્યના ડીઇઓએ ડીપીએસ સ્કૂલને 2 લાખનો દંડ કરવાની શિક્ષણ બોર્ડને ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

CBSE બોર્ડ દ્વારા 2019માં DPS ઈસ્ટ શાળાનું એફીલીએશન રદ્ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા 2020માં શાળાની માન્યતા એપ્રિલ-2021થી રદ કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત એપ્રિલ-2021થી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડી 2008થી 2011 સુધીની અમાન્ય શાળા તરીકે ચલાવેલી શાળાને અંકે રૂ. 50 લાખનો દંડ બે માસમાં ચલણથી જમા કરાવવા માટે જે તે સમયે હુકમ કર્યો હતો. જેની સામે શિક્ષણ વિભાગે પણ આ હુકમને કાયમ રાખ્યો હતો.

CBSE દ્વારા 2020માં રાજ્ય સરકારનું એનઓસી રજૂ કરવા માટે શાળાને જણાવ્યું હતું. જેની સામે સ્કૂલ દ્વારા સરકાર સમક્ષ એનઓસી માટે અરજી કરી હતી. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા શાળાની એનઓસીની દરખાસ્ત નામંજુર કરી હતી. ત્યારબાદ DPS ઈસ્ટ દ્વારા પ્રાથમિક સ્કૂલની મંજુરી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ અરજી કરી હતી. આ અરજી પણ નામંજુર કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડ સમક્ષ માધ્યમિક સ્કૂલ શરૂ કરવા માટે કરેલી અરજી પણ નામંજુર થઈ હતી.

આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા 2 જુલાઈ, 2021ના રોજ શાળા બંધ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ સ્કૂલ બંધ કરવામાં આવી ન હતી. જેથી સ્કૂલના વહીવટદાર એવા અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તપાસ માટે ટીમ મોકલી હતી અને ત્યારબાદ સ્કૂલને બંધ કરવા માટે નોટીસ ફટકારી હતી. જેમાં માન્યતા વગર શાળા ચલાવવા માટે સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે શો-કોઝ નોટીસ ફટકારી હતી અને તે અંગેની સુનાવણી પણ રાખવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓની સંયુક્ત સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેમણે ધોરણ-9 અને 11ના વર્ગ જ બંધ કરશે તેમ જણાવ્યું હતું. આ મુદ્દે શાળાના આચાર્યએ સુનાવણી વખતે પોતાનો પાંચ પાનાનો જવાબ પણ રજૂ કર્યો હતો. આ જવાબનો અભ્યાસ કર્યા બાદ ટીમ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર.આર.વ્યાસ અને ડીપીઈઓ એમ.એન. પટેલ દ્વારા સંપુર્ણ હકીકતની ચકાસણી કર્યા બાદ એવા તારણ પર આવ્યા હતા કે આરટીઈ એક્ટ 2009 નિયમ-18 પ્રાથમિક વિભાગ માટે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 અધિનિયમ-42નો ભંગ થયો હોવાનું જણાયું છે. જેથી નિયમના ભંગ બદલ તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. આમ, RTE એક્ટ 2009 નિયમ-18ના ઉલ્લંઘન બદલ DPEO અમદાવાદ દ્વારા રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ઉલ્લંઘન ચાલુ રાખવામાં આવે તો તેવા સંજોગોમાં પ્રતિદિન રૂ. 10 હજારનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 કલમ-42ના ભંગ બદલ DEO અમદાવાદ ગ્રામ્યએ રૂ. 2 લાખનો દંડ કરવા માટે શિક્ષણ બોર્ડને ભલામણ કરી છે.

(12:26 am IST)