Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને મુખ્યમંત્રીના ફંડમાંથી 25 લાખ રૂપિયા ચૂકવાવા નિર્ણય

નાણાં વિભાગના બદલે આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વેની સત્તાઓ વહીવટી વડાને અપાઈ

અમદાવાદ : રાજયમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલા સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલી ફરજો દરમિયાન મુત્યુ પામેલા સરકારી કર્મચારીઓના આશ્રિત કુટુંબને 25 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવા ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે પછી આર્થિક સહાય માટે મળતી દરખાસ્તો પરત્વે નાણાં વિભાગનો પરામર્શ કરવો વહીવટી દ્દષ્ટિએ ઉચિત જણાતો નથી. જેથી નાણાં વિભાગના બદલે આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વેની સત્તાઓ વહીવટી વડાને આપવામાં આવી છે. જો સૂચનાઓના અર્થઘટન અંગે જરૂરિયાત જણાય તો સામાન્ય વહીવટ વિભાગ સાથે અર્થઘટન અંગે પરામર્શ કરવાની સૂચના જારી કરી છે.

 

સામાન્ય વહીવટ વિભાગ દ્રારા જારી કરાયેલી સૂચનાઓમાં જણાવ્યું છે કે, સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વે હવેથી નાણાં વિભાગનો પરામર્શ કરવાનો રહેશે નહીં. પરંતુ સંબંધિત વહીવટી વિભાગના વડાને આ સત્તાઓ રહેશે. તેમણે દરખાસ્તની ચકાસણી કરીને કાર્યવાહી પૂર્ણ કરીને નિર્ણય કરવાનો રહેશે. આ સૂચનાઓના અર્થઘટન અંગે જરૂરિયાત જણાય તો સંબંધિત વહીવટી વિભાગે સામાન્ય વહીવટ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે.
કયા 17 મુદ્દાઓની ચકાસણી કરવી

સામાન્ય વહીવટ વિભાગે 17 મુદ્દાઓની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. જેમાં સ્વ. કર્મચારીને સોંપવામાં આવેલી ફરજ અંગેના હુક્મની તારીખ અને નકલ, તેમને સોંપાયેલી કામગીરી આવશ્યક સેવા છે કે કેમ, આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલી ફરજોનું વર્ણન, સ્વર્ગસ્થને છેલ્લે કઇ તારીખ સુધી સોપાયેલી ફરજો બજાવી હતી તેમ જ સ્વર્ગસ્થ કર્મચારીએ આવશ્યક સેવાઓ હેઠળ બજાવેલી ફરજો કોવિડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી છે કે કેમ , સ્વ. કર્મચારીને કોરોના પોઝીટીવ રિપોર્ટની તારીખ અને રિપોર્ટ, આવશ્યક સેવાઓ બજાવવાના કારણે કોરોના થયેલ છે તે ફલિત થાય છે કે કેમ અને સ્વ. કર્મચારી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા કે કેમ તે અંગેની વિગતો, સ્વ. કર્મચારીની અવસાનની તારીખ અને પ્રમાણપત્ર તેમ જ સ્વ. કર્મચારીનું અવસાન કોરોનાના કારણે જ થયેલ છે તે અંગેનિં સંબંધિત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર ઉપરાંત સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન/ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/ સિવિલ અધિક્ષકનો અભિપ્રાય અને કર્મચારી નિયમિત, ફીક્સ પગાર, આઉટસોર્સીંગ, રોજમદાર કે કરાર આધારિત હતા તે સહિતની અન્ય વિગતો ચકાસવાની રહેશે.

(10:30 pm IST)