Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 300 બેડની ક્ષમતા વધારાશે : કોરોના કેસ વધતા અધિકારીઓ નર્મદાની મુલાકાતે : સુવિધા વધારવા આદેશ

દર્દીઓની અપૂરતી સારવાર અંગે સીએમ સુધી ફરિયાદ પહોંચતા ગાંધીનગરથી અધિકારીઓ હરકતમાં

રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધતા સાથે કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુના વધતા આંકડા ચિંતાનો વિષય બન્યો છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને અપૂરતી સારવાર અપાતી હોવાની ફરિયાદ મુખ્યમંત્રી રૂપાણી સુધી પહોંચતા ભારે વિવાદ સર્જાયો હતો અને આરોગ્ય વિભાગ પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જેને ધ્યાને લેતા ગાંધીનગરથી અધિકારીઓએ નર્મદાની મુલાકાત લીધી છે અને સુવિધા વધારવા આદેશ આપ્યા છે.

આ વિવાદની વચ્ચે ગુજરાત માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. એમણે જિલ્લા કલેકટર મનોજ કોઠારી, સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તા, EMO ડો.આર.એસ.કશ્યપ સહિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. જિલ્લા પ્રભારી સચિવ હૈદરે રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં હાલની 170ની પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ 300 સુધી વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પણ હાલની 200 પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ વધારીને 1000 પથારી સુધી સુવિધા ક્ષમતા ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.

વધુમાં જિલ્લાના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં લોકોની અવર- જવર ઉપરના પ્રતિબંધનો સખ્તાઈથી અમલ કરવા, લોકો દ્વારા માસ્ક પહેરવા માટેનો ચુસ્ત અમલ કરવા, આરોગ્ય ટુકડીઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા, એન્ટીજન (રેપિડ) ટેસ્ટની સંખ્યામાં મહત્તમ વધારો કરવા, ધનવંતરી રથ મારફત દરદીઓને અપાતી ઓ.પી.ડી સારવારની સંખ્યા બમણી કરવાની હૈદરે સૂચના આપી હતી.

 

તો બીજી બાજુ કાછીયાવાડ અને કસ્બાવાડ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. રાજપીપળામાં મુખ્ય માર્ગોને કન્ટેન્ટમેન્ટમાં નહિ લેવા પણ લોકોની માંગ ઉઠી છે. ત્યારે રાજપીપળા પ્રાંત અધિકારો કે.ડી. ભગતે જણાવ્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોનને લઈને જિલ્લા કલેકટર સાથે મીટીંગ છે. અને તેમની સૂચના મુજબ અમે કામ કરીશું. લોકોની માંગને લઈને કોઈને પરેશાની ના થાય એવો વિકલ્પ શોધી જરૂરી કામગીરી કરીશું. આરોગ્ય વિભાગની પણ સલાહ લઈને જેતે કન્ટેન્ટમેન્ટ ઝોન ખોલવામાં આવશે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓને લીધે લોકો કોવિડ ટેસ્ટ કરવાથી દૂર ભાગતા હતા. જેને કારણે સંક્રમણ વધી રહ્યું હતું. એ માટે નર્મદામાં કોરોના પોઝિટિવ દર્દી પોતાના ઘરે રહી સારવાર કરી શકે એવો નિર્ણય લેવાયો છે. EMO ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીને અન્ય કોઈ લક્ષણ ન હોય એવા જ દર્દી પોતાના ઘરે સારવાર લઈ શકશે, એ ઘરમાં એક અલગ રૂમ એવો હોવો જોઈએ જ્યાં દર્દી એકલો જ રહી શકે અને કોઈની અવરજવર ન હોય.

(10:00 pm IST)