Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વસ્ત્રાપુરના એ-વન મોલ બાદ મેમનગર સ્થિત મેકડોનાલ્ડ અને સરખેજની ફાર્માસ્યુટિકલ સીલ

ઓફિસો અને મોલમાં મ્યુ. તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ: ગ્રાહકો અને કર્મચારીઓ માસ્ક વગર જોવાયા

અમદાવાદઃકોરોના મહામારીથી લોકોને રક્ષિત કરવા નિયમોના પાલનની જાહેરાત કરવા છતાં મેમનગર સ્થિત મેકડોનાલ્ડ  તથા સરખેજના કોર્પોરેટ રોડ પર આવેલી સેવીયર ફાર્માસ્યુટિકલને સીલ મારવામાં આવ્યું છે.

 વસ્ત્રાપુર સ્થિત એ વન મોલ બાદ આજે વધુ બે સ્થળોએ સીલ મારી દેવાયા છે  ગ્રાહકો તથા કર્મચારીઓ માસ્ક વગર મળી આવ્યા હતા. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સીલ મારી દેવાની સાથે નોટીસ ફટકારી છે. જેમાં યોગ્ય પગલાં લેવા જરૂરી સૂચના આપી છે.

નિયમોનું પાલન કર્યા વગર જો સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણિજયિક પ્રવત્તિ કરવામાં આવશે તો એપેડેમિક એક્ટ મુજબ ફોજદારી ગુનો નોંધવાની ચીમકી આપી છે.

કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર સહિત કોર્પોરેશન દ્વારા માસ્ક પહેરવા, સેનેટાઇઝર રાખવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે વારંવાર જાહેરાતો કરાય છે. છતાં પણ કેટલાંક સ્થળોએ આ નિયમોનું પાલન નહીં થતું હોવાની માહિતી મળી હતી. જેના કારણે સંક્રમણ થવાનો ભય રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખીને જ અગાઉ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પાનના ગલ્લાં સામે ઝુંબેશ ચલાવી હતી.

આ જ સ્થિતિ ઓફિસો તેમ જ મોલમાં હોવાની બાતમી મળતાં હવે ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ શરૂ કર્યું છે. જેના ભાગરુપે જ સોમવારે વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલને સીલ કરી દેવાયું હતું. આજે મંગળવારે મેમનગર ખાતે આવેલા મેકડોનાલ્ડ તથા સરખેજ વોર્ડમાં આવેલા કોર્પોરેટ રોડ પરની સીનર્જી બિલ્ડીંગના 11મા માળે આવેલ સેવીયર ફાર્માસ્યુટીકલ ખાતે પહોંચી ગયા હતા. જયાં માસ્ક વગર કર્મચારીઓ હોવાનું જણાઇ આવતાં ઓફિસ તથા ધંધાના સ્થળને સીલ મારી દેવામાં આવ્યું હતું.

(9:35 pm IST)