Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભૂખ્યાનું પેટ ઠારનાર વેપારી કોરોના સામેની લડાઈ હાર્યા

કોરોના વાયરસ સામે લડાઈ હજુ યથાવત્ : સુરતના એક સામાજિક કાર્યકર કે જેમણે લોકડાઉન દરમિયાન ગરીબોની મદદ કરીને તેમના દિલ જીત્યા હતા

સુરત, તા.૦૪ : ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનું જોખમ સૌથી વધારે છે. તેથી ડોક્ટરો અને એક્સપર્ટ પણ તેમને જરુર વગર બહાર નીકળવાની અને જો બહાર જવાનું થાય તો પૂરતી સાવચેતી રાખવાનું કહી રહ્યા છે. તો પરિવારના સભ્યો પણ ઘરના બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે.જો કે, સુરતના ૬૬ વર્ષના કાપડના એક વેપારી એવા હતા જેમણે લોકડાઉન દરમિયાન કોવિડ-૧૯નો ડર રાખ્યા વગર રસ્તા પર ઊંઘતા સેંકડો ગરીબ લોકોને ભોજન કરાવીને તેમની આંતરડી ઠારી હતી. આટલું નહીં તેમણે પેરામેડિકલ સ્ટાફ અને પોલીસકર્મચારીઓ માટે ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા.કપરા સમયમાં જ્યારે કોઈ એકબીજાની મદદ કરવા તૈયાર નહોતું તેવા સમયમાં વેપારીએ લોકોની મદદ કરીને તેમનો પ્રેમ અને આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, દુર્ભાગ્ય રીતે ૨૨ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં વાયરસ સામેની લાંબી લડાઈ બાદ રવિવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

       કાપડના વેપારી તેમજ સામાજિક કાર્યકર તેવા કૈલાશ ધુત રિંગ રોડ પર આવેલા મિલેનિયમ માર્કેટમાં સાડી અને ડ્રેસ મટીરિયલની દુકાન ધરાવતા હતા. જેઓ લોકડાઉન દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યો ઊંઘે તે વાતની બરાબર ખાતરી કરતા હતા.પરિવારમાં પત્ની, દીકરો અને પુત્રવધૂ ધરાવતા કૈલાશ ધુતે ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ અને મહેશ્વરી સમાજના બેનર હેઠળ લોકડાઉનના સતત બે મહિના સુધી ગરીબો અને પ્રવાસી મજૂરો માટે ભોજન અને રાશન કિટની વ્યવસ્થા કરી હતી.ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતા ધુતે જુલાઈ ૨૦૧૭માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામે ટેક્સટાઈલના વેપારીઓના એક મહિના જેટલા લાંબા વિરોધમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશન સાથે મળીને ધુતે જીએસટી સામેના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. સિવાય તેમણે જીએસટી નાબૂદ કરવા માટેની માગણી કરતા પત્રો સરકારને લખ્યા હતા.

          ફોસ્ટાના સેક્રેટરી ચંપાલાલ બોથરાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, 'અમે રાજસ્થાની મહેશ્વરી સમાજના આગેવાન અને એક કર્મનિષ્ઠ સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. તેમનું નિધન વેપારી સમુદાય માટે એક ખોટ છે. અમારા માટે ધુત સારા કોરોના વોરિયર હતા, જેઓ હંમેશા જરૂરિયાતમંદોની મદદ માટે તૈયાર રહેતા હતા.કફ અને તાવની ફરિયાદ કર્યા બાદ તેમને ૧૪ જુલાઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ બાદ તેમને રામપુરાની વીનસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

(8:02 pm IST)