Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આદિજાતિઓનો થાગડ-થીગડ વિકાસ નહિ-ભાવિ પેઢી સમૃદ્ધ - સુખી- વિકાસમાં સહભાગી બનવા સરકારની પ્રતિબદ્ધતા : મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇ: વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી 90 હજાર કરોડની ફાળવણી : સિંચાઇ-પીવાના પાણી માટેના પાંચ હજાર કરોડના કામો ચાલુ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે દરેક સમાજના અસ્તિત્વનો સમાનતાપૂર્વક સ્વીકાર કરીને થાગડ-થીગડ વિકાસ નહિ, ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી અને વિકાસમાં સહભાગી બને તેવી આપણી પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

           આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર તેમજ આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.
           મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન વનબંધુ કલ્યાણ યોજનામાં ૯૦ હજાર કરોડ રૂપિયા આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ફાળવેલા છે. આ સરકારે પણ છેલ્લા ૩ વર્ષમાં જિલ્લાઓમાં જિલ્લે-જિલ્લે મેડીકલ કોલેજ શરૂ કરીને આદિજાતિના સંતાનો પણ ડૉકટર બની શકે, એટલું જ નહિ પોતાના જ વિસ્તારમાં સેવા આપી શકે તેવી સ્થિતી ઊભી કરી દીધી છે એમ તેમણે ઉમેર્યું હતું.

          મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિજાતિ જિલ્લાઓમાં વિજ્ઞાન પ્રવાહ શાળા, સાયન્સ કોલેજીસ, એકલવ્ય મોડેલ સ્કુલ તેમજ આશ્રમ શાળાઓ શરૂ કરવા માટે પણ રાજ્ય સરકારે વિશેષ ઝોક આપેલો છે આના પરિણામે  આદિજાતિ સમાજના બાળકો-યુવાઓને ૧૦૦ ટકા શિક્ષણ મળી રહે તેવું આપણું લક્ષ્ય છે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.  રાજ્ય સરકારે અમદાવાદમાં આદિજાતિ બાળકો-યુવાઓને અભ્યાસ દરમ્યાન આવાસ સગવડ માટે ૭ હજાર ચો.મીટર જમીન પ૦ ટકા કિંમતે ફાળવી આપી છે તેમ આ બેઠકમાં જણાવાયું હતું.

          મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના વિસ્તારના માનવીને પણ તેના કલ્યાણનો, વિકાસનો વિચાર કરનારી સરકાર છે તેની અનૂભુતિ-લાગણી થઇ રહી છે.આઝાદી પછી સૌને સમાન તક મળવાને બદલે સમાજ-સમાજ વચ્ચે વિગ્રહ અને અપીઝમેન્ટની રાજનીતિએ આ સમાજના વિકાસ પર અસર પાડી છે ત્યારે હવે આપણે વિકાસમાં પાછળ રહી ગયેલા વંચિતોને વિકાસની ધારામાં લાવવાની પ્રાયોરિટી આપવી પડશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

          વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ વિસ્તારોમાં છેલ્લા ૩ વર્ષમાં પાણીની સમસ્યા કાયમી નિવારવા અને દુષ્કાળને ભૂતકાળ બનાવવા પાણી, સિંચાઇ, ખેતી-બિયારણની પૂરતી સગવડો, ઉદવહન સિંચાઇ યોજનાઓને પણ સરકારે અગ્રતાક્રમે આપી છે તેની ભૂમિકા આપી હતી. આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે પાંચ હજાર કરોડના વિવિધ કામો ચાલી રહ્યા છે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.
          મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારોમાં સમયાનુકુલ વિકાસની બધી સુવિધાઓ પહોચાડી છે તેમજ આ વિસ્તારોમાં વિકાસનું આખું કલેવર બદલાઇ ગયું છે તેમ જણાવ્યું હતું તેમણે ટ્રાયબલ યુનિવર્સિટીના બાંધકામનું ટેન્ડર થઇ ગયેલું છે તેમ જણાવતાં આ યુનિવર્સિટી દ્વારા આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરાને પણ વર્તમાન સમય અનુરૂપ વિકાસ સાથે જોડવાની નેમ દર્શાવી હતી.
           આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના ધારાસભ્યોએ પણ વિવિધ રજૂઆતો-સૂચનો કર્યા હતા.  આદિજાતિ સલાહકાર પરિષદની આ બેઠકમાં આદિવાસી ક્ષેત્રો માટેના વિકાસ કામો અને અગાઉની બેઠકમાં થયેલા સૂચનોના અમલીકરણની વિગતોનું વિસ્તૃત વિવરણ પ્રેઝન્ટેશન આદિજાતિ વિકાસ કમિશનર દિલીપ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.  તદઅનુસાર, આદિવાસી વિસ્તારના ઊંડાણના ગામોમાં એસ.ટી.ની સુવિધા મળી રહે તે માટે એસ.ટી. દ્વારા ૩૧૧ Mini/Midi વાહનો ફાળવવામાં આવેલા છે.
          ર૦-ર૧ના વર્ષમાં આદિજાતિ ગામો સોનગઢ, ચીખલી, કવાંટમાં નવા બસ મથકોનું આયોજન કરવામાં આવ્યું છે. બેટ વિસ્તાર-ડુંગરાળ વિસ્તાર કે વાહનવ્યવહારને લાયક ના હોય તેવા ગામોને નજીકમાં ર થી પ કિ.મી.ના અંતરે બસ સુવિધા મળી રહી છે તેમજ તમામ મહેસૂલી ગામો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે પાકા રસ્તાથી સાંકળી લેવામાં આવ્યા છે તેની વિગતો આપવામાં આવી હતી
 આદિજાતિ વિકાસ સચિવ અનુપમ આનંદે બેઠકનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો. સંયુકત સચિવ ડોડીયાએ સૌનો આભાર દર્શાવ્યો હતો.

(7:32 pm IST)