Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર : અરબી સમુદ્ર નજીક સાયકલોનીક સકર્યુલેશનના કારણે ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

કાલે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, ૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા ૭ ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી : તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલની તાકીદ

અમદાવાદ : રાહત કમિશનર અને અધિક સચિવ  હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તા.૫ ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, તા. ૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા તા. ૭ ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે. આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
            સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર સુશ્રી ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીશ્રીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૩૬ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૨૭ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ૧૨૭ મીમી વરસાદ નોધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.૦૪/૦૮/૨૦૨૦ અંતિત ૩૫૮.૬૭ મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૪૩.૧૫% છે.
             IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં ઉભુ થયેલું લો પ્રેશર તેમજ સાઉથ ગુજરાત રીજીયન અને ઉત્તર અરબી સમુદ્ર નજીક બનેલ સાયકલોનીક સકર્યુલેશનના પ્રભાવે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શકયતા છે. તા. ૫ ઓગસ્ટના રોજ મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, તા. ૬ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં તથા તા. ૭ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, મોરબી અને દેવભુમી દ્વારકા તથા કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
          કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૭૪.૯૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૪/૦૮/૨૦૨૦ સુધીમાં થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૬૩.૬૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૮.૨૫% વાવેતર થયું છે.
           સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૨૯ મીટર છે. તેમજ ૧,૭૦,૦૯૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૯૨% છે. તેમજ ૪,૨૬૭ કયુસેક પાણીની આવક થવા પામી છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨,૮૭,૫૪૪ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૬૪ ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ-૫૪ જળાશય હાઇ એલર્ટ ૫ર છે.
          ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તા. ૮મી ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ જે લોકો દરીયો ખેડવા ગયેલા છે તેઓને ૫રત બોલાવવાની કામગીરી ચાલુમાં છે.
          મોસમ વિભાગની અગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના ૫ગલે રાજ્યના તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલે તાકીદ કરી છે. નર્મદા તેમજ અન્ય નદીઓ કે જે ૫ડોશી રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તેમની જળ સપાટી અંગે સંબંધિત રાજયોમાં થયેલા વરસાદ મુજબ સતત દેખરેખ રાખવા પણ જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી, આ અંગેની તમામ વિગત ઉચ્ચ ઓથોરીટીને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. તે ઉપરાંત લોકોને નદી નાળા કે કોઝવેથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

(7:23 pm IST)