Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સુરતમાં પોલીસને બાતમી આપી હોવાનો વ્હેમ રાખી ફાયનાન્સર પર ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:લોક્ડાઉનમાં સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલ સાથે દારૂની ખેપ મારતા વલસાડ ખાતે ઝડપાયેલા પાલનપુર પાટિયાના માથાભારે હેમુ પરદેશીએ બાતમી આપ્યાની વ્હેમમાં પાલનપુર જકાતનાકા ખાતે ફાયનાન્સર ઉપર ચપ્પુ અને બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
લોક્ડાઉન અંતર્ગત અડાજણ હનીપાર્ક વિસ્તારના ભુમિ કોમ્પ્લેક્ષની સામે કેદારનાથ એપાર્ટમેન્ટમાં રહેતા માથાભારે હેમંત ઉર્ફે હેમુ પરદેશીએ દમણથી દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતું. લોક્ડાઉન અંતર્ગત પોલીસની ઝપટમાં નહીં ચઢે તે માટે હેમુ તેના પોલીસ મિત્રને સાથે રાખતો હતો અને કારમાં આગળના ભાગે પોલીસનું બોર્ડ મુકી ખેપ મારતો હતો. દરમ્યાનમાં રેંજ આઇ.જીની સ્પેશ્યલ સ્કોર્ડના હાથે વલસાડ ખાતે હેમુ પરદેશી અને સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ રાઠોડ પોલીસની વર્દીમાં લાખ્ખો રૂપિયાની દારૂની ખેપ મારતા ઝડપાય ગયા હતા. બાતમી ફાયનાન્સર પ્રવિણ ઉર્ફે પવલો ઘાસ ગોવિંદ ચાવડા (.. 40 રહે. દિનદયાળ સોસાયટી, દિપાંજલી ચાર રસ્તા પાસે, પાલનપુર ગામ રોડ) આપી હોવાની શંકા રાખી હેમુએ ગત રોજ તેના બે મિત્રો સાથે પ્રવિણ તેની પાલનપુર જકાતનાકા સ્થિત પંકજ નગર નજીક રામદેવ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસની બહાર ઉભો રહી ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે નંબર વિનાની બ્લુય કલરની મોપેડ પર ઘસી આવી ચપ્પુ વડે માથામાં અને બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયા હતા. ઘટનાને પગલે એકત્ર થયેલા લોકોએ પ્રવિણને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે હેમુ પરદેશી અને તેના બે મિત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)