Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આખરે નર્મદા જિલ્લાનું આળસુ આરોગ્ય તંત્ર જાગ્યું: કોવિડ દર્દીઓના સગા સાથે કાઉન્સિલિંગની સુવિધા ઉભી કરશે

રાજપીપળા કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી બાબતના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા અને લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામેની લડાઈ માટે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલો શરૂ કરાઇ છે ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટ ની મિલકતો સંસ્થાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરી લોકોને સેવા આપી રહ્યા છે.

  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી છે કેટલાક દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તેમનું મૃત્યુ થયું હોવાના પરિજનો દ્વારા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે ઉપરાંત કેટલાક જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ કોવિડ હોસ્પિટલમાં બેદરકારી બાબતે રજૂઆતો પણ કરાઈ છે અને દાખલ દર્દીઓ સાથે પરિજનોના કાઉન્સિલિંગ તેમજ તેમની સ્થિતિ અંગે યોગ્ય જાણકારી ન મળવાની પણ ફરિયાદો ઊઠી હતી ત્યારે રાજપીપળા કોવિડ હોસ્પિટલ શરૂ થયે ચાર મહિના થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને દર્દીના સાગા સાથે કાઉન્સિલિંગની સુવિધા શરૂ કરવા નિર્ણય લીધો છે.

 આ બાબતે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપે જણાવ્યું હતું કે દર્દીઓના સાગા માટે કાઉન્સિલિંગની સુવિધા શરૂ કરી રહ્યા છે જેમાં હેલ્પ ડેસ્ક કંટ્રોલ રૂમ ૨૪ કલાક સુવિધા આપશે દર્દીઓ અને તેમના સગા સાથે વાતચીત કરી શકશે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે તંત્ર દ્વારા દર્દીઓને સારી સુવિધા મળશે તેવી ગુલબાંગો પોકારાઈ હતી પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓ દાખલ થયા બાદ કોવિડ હોસ્પિટલની ઘણી ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે હવે કાઉન્સિલિંગ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે.

(4:55 pm IST)