Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પંચમહાલમાં દીપડાની દહેશત : પાંચ દિવસમાં ત્રણ હુમલા : માસુમ બાળકો અને મહિલાને નિશાન બનાવી

પશુઓનું મારણ પણ કર્યું : વન વિભાગ હરકતમાં આવ્યું : લોક જાગૃતિ માટે પત્રિકા વહેંચી

પંચમહાલમાં દીપડાની દહેશત સતત વધતી જઈ રહી છે. જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકામાં 5 દિવસમાં દીપડાના હુમલા ના 3 બનાવો ઉપરાઉપરી બનતા હવે મોડે મોડે વન વિભાગ   હરકતમાં આવ્યું છે. હુમલાખોર દીપડો માનવભક્ષી છે. તે પહેલાં તેને પાંજરે પુરવા અને લોક જાગૃતિ માટે પત્રિકાઓ વહેંચવા સુધીની કવાયત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે

છેલ્લા એક સપ્તાહમાં ઘોઘંબા તાલુકાના ચાઠા, વાવકુલ્લી, ધરમ ખેતર જેવા ગામોમાં દીપડાએ દોઢ અને બે વર્ષના બે માસુમ બાળકો અને એક મહિલાને નિશાન બનાવ્યા છે. બાળકો પર હુમલાના કિસ્સામાં તો માસુમોને જડબામાં જકડી ઢસડી જવા સુધીની ઘટના બની હતી. પરંતુ સદનસીબે ત્રણેય કિસ્સાઓમાં ઇજાગ્રસ્તોના જીવ બચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને અનેક વખત રજૂઆતો કરી હતી કે, આ વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે અને સ્થાનિકો પર પણ હુમલાઓ કરી રહ્યો છે. ત્યારે સ્થાનિકો પર થયેલ હુમલાઓ અને રજૂઆતો બાદ વન વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે.

 
(11:44 am IST)