Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમદાવાદના વસ્ત્રાપૂરના એવન મોલને સીલ કરવા નોટીસ : ગાઈડલાઇનનું પાલન કરવા યોગ્ય પગલાં લેવા તાકીદ

માલિક, કર્મચારી કે ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યા: સોશિયલ ડીસ્ટન્સીંગનો પણ અભાવ

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે વસ્ત્રાપુર સ્થિત એ વન મોલમાં ગ્રાહકો તથા કર્મચારીઓ માસ્ક વગર તથા સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ પણ થતો ન હતો.જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એ વન મોલને સીલ મારી દેવા માટે નોટીસ ફટકારી છે. જેમાં યોગ્ય પગલાં લેવા તાકીદ કરી છે

 નિયમોનું પાલન કર્યા વગર જો સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણિજયિક પ્રવત્તિ મોલમાં થતી જોવા મળશે તો એપેડેમિક એક્ટ મુજબ ફોજદારી ગુનો નોંધવાની ચીમકી આપી છે.

રક્ષાબંધનને લઇને મોલમાં ગ્રાહકોની પડાપડી થઇ હતી.તેમાંય વળી સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ વાણિજય પ્રવતિ દરમિયાન માલિક, કર્મચારી કે ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

ત્યાં સુધી કે સોશીયલ ડિસ્ટન્સીંગ પણ જળવાતું ન હોવાનું ધ્યાન પર આવ્યું હોવાથી મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગે મોલની પ્રિમાઇસીસ અવરજવર બંધ કરીને મોલને સીલ મારી બંધ કરવા હુક્મ કરવા નોટીસ ફટકારી છે.

કોર્પોરેશને નોટીસમાં જણાવ્યું છે કે, છેલ્લાં થોડાં દિવસોથી એ વન મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્રારા મુખ્ય બે શરતો અને નિયમોનું પાલન થતું નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે.તમો પણ અમલીકરણ અને નિયમોના પાલન કરાવવામાં સરેઆમ નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટ માલૂમ પડયું છે.મોલના એકટીવ કર્મચારીઓ જેવાં કે સીકયોરીટી ગાર્ડસ, હાઉસ કીપીંગ સ્ટાફના કોરોના અંગેનો રેપીડ ટેસ્ટ કરાવી જાણ કરવી.સમગ્ર મોલ ડીસ્ઇન્ફેક્ટ કરી કોર્પોરશનને જાણ કરવી.મેઇન્ટનન્સ અને હાઉસ કિપીંગ સિવાયના કોઇપણ વ્યક્તિને કોઇપણ જગ્યાએથી પ્રવેશ આપવો નહીં.કોવિડ 19ના નિયમોનો ભંગ હવે પછી ભવિષ્યમાં થાય નહીં તે અંગેની બાહેંધરી આપવી અને તે અંગેની લેખિત જાણ કરવાની રહેશે.ધંધાકીય એકમને મારેલ સીલ કોર્પોરેશનની સક્ષમ સત્તાની પૂર્વ મંજુરી મેળવીને જ ખોલવું. મંજુરી સિવાય સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણિજય પ્રવતિ આ મોલમાં થતી જોવા મળશે તો એપેડેમિક એક્ટ મુજબ ફોજદારી ગુનો નોંધવામાં આવશે.

(8:49 am IST)