Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

શાળાએ જવા નિકળેલા ધોરણ ૧૧ સાયન્સના વિદ્યાર્થીનું મોત

બ્રેઇન હેમરેજથી મૃત્યુ નિપજ્યું હોવાની આશંકાઃ પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા વિલંબિત થઇ હોવાથી પુત્રની જાન ગઇ હોવાના ગંભીર આરોપ લગાવ્યા

અમદાવાદ, તા.૪: શહેરના નારણપુરા ક્રોસીંગ પાસે આજે વહેલી સવારે ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થી સ્કૂલે જવા માટે સાઇકલ લઇને નીક્ળ્યો હતો, જ્યાં નારણપુરા ક્રોસીંગ ફાટક પાસે તેનું મોત થયું હતું. સાઇકલ સ્લિપ થઇ જતાં અથવા તો કોઇએ સાઇકલને ટક્કર મારતાં વિદ્યાર્થી જમીન પર પટકાયો હતો, જેમાં તેનું બ્રેઇન હેમરેજ થઇ જતાં મોત નીપજ્યું હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, ઘટનાની જાણ કરવા છતાં ૧૦૮ સમયસર ઘટનાસ્થળે નહી આવતાં અને ૨૦ મિનિટ બાદ પહોંચતાં ભારે વિલંબ થવાથી વિદ્યાર્થીને ત્વરિત સારવાર નહી મળવાથી તેનું મૃત્યુ નીપજયુ હોવાનો પરિવારજનોએ ૧૦૮ પર આરોપ લગાવ્યો હતો.

બીજીબાજુ, પોલીસે વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું તે મામલે તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉસ્માનપુરા ગાર્ડન સામે આવેલી વિદ્યાનગર હાઇસ્કૂલમાં ધોરણ-૧૧ સાયન્સમાં વિવેક દવે નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આજે સવારે વિવેકે સાઇકલ લઇને સ્કૂલ જતો હતો ત્યારે નારણપુરા ક્રોસીંગ ફાટક પાસે રહસ્યમય સંજોગોમાં તેનું મોત થયું હતું. વિવેકના મોત બાબતે પોલીસ અલગ અલગ મુદ્દે તપાસ કરી રહી છે. વિવેકનું મોત કેવી રીતે થયું તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. આ ઘટના જોઇને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં વિવેકને મૃત જાહેર કર્યો હતો. વિવેકનાં માતા-પિતાને અકસ્માતની જાણ થતાં તેઓ પણ દોડી આવ્યાં હતાં અને તેને હોસ્પિટલ લઇ ગયાં હતાં, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિવેકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે તેના મોતનું સાચું કારણ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જો કે, ધોરણ-૧૧ના માસૂમ વિદ્યાર્થીનું આ પ્રકારે અકાળે મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

 

(10:50 pm IST)