Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગાંધીનગર નજીક કોબા સર્કલ પાસે રેસ્ટોરંટમાં ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડા

ગાંધીનગર: શહેર નજીક કોબા સર્કલ પાસે આવેલી સામિયાણા રેસ્ટોરેન્ટમાં ચાલતાં હુક્કાબાર ઉપર ગઈકાલે મોડી રાત્રે એસઓજીની ટીમે દરોડો પાડતાં ચાર યુવતિ અને ર૩ યુવાનો મળી કુલ ર૭ નબીરાઓ હુક્કાની મોજ માણતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે આ હોટલના માલિક અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને અલગ અલગ ફલેવરના હુક્કા જપ્ત કર્યા હતા. ત્યાંથી વિદેશી દારૃની ચાર બોટલ પણ મળી આવી હતો તો જુગાર માટેના કોઈન પણ મળતાં આ સ્થળે જુગાર ધમધમતો હોવાનું પણ લાગી રહયું હતું. પોલીસે હાલ તો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.   સમગ્ર રાજ્યમાં હુક્કા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં રાજયના પાટનગર ગાંધીનગરમાં જ રેસ્ટોરેન્ટમાં છેલ્લા ઘણા સમયથી હુક્કાબાર ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ અંધારામાં હતી કે પછી વહીવટથી આ હુક્કાબારને મંજુરી આપવામાં આવી હતી તે તપાસનો વિષય છે. અગાઉ પણ આ સામિયાણા રેસ્ટોરેન્ટમાંથી હુક્કાબાર ઝડપાયું હતું તેમ છતાં તેના સંચાલકોને ફરીવાર હોટલ ચલાવવાની જિલ્લા વહીવટી તંત્રએ મંજુરી આપતાં આશ્ચર્ય સર્જાયું છે.

 

(5:27 pm IST)