Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

નાપા તળપદમાં મિલકતની વહેંચણી બાબતે બે પરિવારો વચ્ચે હિંસક મારામારીમાં 6ને ઇજા

બોરસદ:તાલુકાના નાપા તળપદ ગામે મિલકતની વહેંચણી મુદ્દે કાઝી પરિવારો વચ્ચે હિંસક મારામારી થતાં છને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી છે. જે પૈકી એકને માથામાં ફરસી વાગતા તેની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બોરસદ રૂરલ પોલીસે આ અંગે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 

નાપા તળપદ ગામની નવી મસ્જિદ પાસે રહેતા નીલોફરબાનુ સાજીદમહંમદ કાઝીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના સગા તથા સલીમમીંયા સમસુદ્દીન કાજીના પરિવાર વચ્ચે મિલ્કતની વહેંચણીને લઈને છેલ્લા કેટલાક સમયથી મનદુ:ખ ચાલી રહ્યું છે. ગઈકાલે બપોરના સવા ત્રણેક વાગ્યાના સુમારે સાજીદમહંમદ મહેબુબમીંયા કાજીએ તકરારી મકાનના દરવાજાનું તાળુ તોડી નાંખતા સલીમમીંયા ફરસી લઈને આવી ચઢ્યો હતો અને સાજીદમહંમદને માથામાં જમણી બાજુ મારતા લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. નજમાબેન તથા હુસેનાબીબી છોડાવવા વચ્ચે પડતાં જાકીરમીંયા સમસુદ્દીનભાઈ કાજી, ઐયુબમીંયા સમસુદ્દીન કાજીએ ગડદાપાટુનો માર માર્યો હતો. ફારૂકમીંયા તથા યાસીનમીંયા કાજીએ પણ લાકડીથી નીલોફરબાનુ તેમજ ઘરના સભ્યોને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

સામા પક્ષે મહેરાજબીબીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મિલ્કતની વહેંચણી બાબતે ચાલતા મનદુ:ખને લઈને મહેબુબમીંયા કાજીએ તકરારી મકાનના દરવાજાનું તાળુ તોડી નાંખ્યું હતુ જેથી મહેરાજબીબી તથા તેમના પતિ સલીમમીંયાએ ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને ગમે તેવી ગાળો બોલીને મહેબુબમીંયાએ લોખંડની પાઈપ મહેરાજબીબીને જમણા હાથના કાંડા ઉપર મારતાં બે આંગણીમાં ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. સાજીદમહંમદ, હબીબમીંયા, નીલોફરબાનુએ પણ મહેરાજબીબી, સલીમમીંયાને માથાના ભાગે તથા જાકીરમીંયાને છાતીના ભાગે ગડદાપાટુનો તેમજ ધારીયા અને લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:24 pm IST)