Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કઠલાલના પીઠાઇમાં કૌટુંબિક જમીન બાબતે ખોટા પુરાવા ઉભા કરનાર 12 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કઠલાલ: તાલુકાના પીઠાઈમાં આવેલી વડિલોપાર્જીત ખેતી લાયક જમીનમાં કૌટુંબીક બહેન તેમજ ભાઈને ભાગ ના આપવો પડે તે માટે રેવન્યુ રેકોર્ડમાં આ લોકોના નામ કઢાવવા હક કમીના ખોટા પુરાવા ઉભા કરી નામ કઢાવી નાખ્યાં હતાં. આ બાબતની જાણ થતાં સીટમાં અરજી કરી હતી. જિલ્લા કલેક્ટરે આ પ્રકરણનો અભ્યાસ કર્યા બાદ કઠલાલ પોલીસને એફઆઈઆર નોંધવા હુકમ કરતાં કઠલાલ પોલીસે આ અંગેનો ગુનો દાખલ કર્યો છે. અને કુલ ૧૨ સામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે રજૂ કરવા બાબતની કલમો લગાવી ફરિયાદ નોંધી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના પીઠાઈમાં રહેતાં કાસમભાઈ જીવાભાઈ મલેકની પુત્રી જુબેદાબેનના લગ્ન મહેમદાવાદ તાલુકાના વાંઠવાળીમાં રહેતાં નિયાઝ મલેક સાથે થયાં હતાં. જુબેદાબેનના વડિલોની વડિલોપાર્જીત મિલકત પીઠાઈ ગામમાં આવેલી છે. જેમાં ખેતી લાયક જમીન ખાતા નં ૬૨, સર્વે નં ૩૨૮,૩૦૮ તથા ખાતા નં ૮૪ સર્વે નં ૩૪૫/૧ વાળી જમીન પણ છે. આ જમીનમાં જુબેદાબેન તેમજ તેમની એક અન્ય બહેન તથા ભાઈનો હક હિસ્સો આવતો હતો. પરંતુ જુબેદાબેને આ જમીનની રેવન્યું રેકોર્ડ એટલે કે ૭/૧૨ તેમજ ફેરફાર કઢાવતાં તે તેમજ તેમજ તેમના ભાઈ બહેનના નામ ગાયબ હતાં. ફેરફારમાં નજર કરતાં આ નામો સ્વેચ્છાએ હક કમી કરાવાથી નીકળી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોતે તેમજ પોતાના ભાઈ બહેનોએ કોઈ જાતનું હક કમી કરાવ્યું નથી છતાં નામ કેવી રીતે નીકળી ગયાં તે જાણવા તેમણે ફેરફાર એન્ટ્રીના આધારે તુમાર કઢાવ્યું હતું. આ તુમારમાં હક્ક કમી કરાવવા બાબતની પોતે તેમજ પોતાના ભાઈ બહેનની સ્વૈચ્છિક સંમતિ વાળા લખાણમાં પોતાના અંગુઠાનો તેમજ ભાઈ બહેનની સહી જણાઈ આવી હતી. પોતાને અજાણ રાખી કૌટુંબીક ભાઈઓએ જ આ કારસ્તાન કર્યાનું જણાઈ આવતાં તેમણે એસ.આઈ.ટી (સીટ) નડિયાદમાં અરજી કરી હતી. 

(5:22 pm IST)